ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં લાઇબ્રેરી મિશન’ અમલમાં મૂકવા,શિક્ષણ સુધારણા માટે માંગ ઉઠી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

દક્ષિણ ગુજરાત સહિત ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને દરેક ગામમાં ગ્રામ્ય લાઇબ્રેરીની સુવિધા ઊભી કરવા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.

સમસ્ત આદિવાસી સમાજ, દક્ષિણ ગુજરાતના કન્વીનર અને જાણીતા જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને આદિવાસી વિસ્તારોમાં ‘આદિવાસી શિક્ષણ ગુણવત્તા અને ગ્રામ્ય લાઇબ્રેરી મિશન’ શરૂ કરવાની માંગ કરી છે.

પોતાની રજૂઆતમાં ડો. પટેલે રશિયાના ડાગેસ્તાન પ્રદેશના અંતરિયાળ પહાડી વિસ્તારમાં માત્ર ત્રણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે છેલ્લા નવ વર્ષથી દરરોજ ૧૪ કિલોમીટર ચાલીને જતાં ૪૫ વર્ષીય શિક્ષિકા ખાદીજત માગોમેદોવાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભૌગોલિક મુશ્કેલીઓ હોવા છતાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવી જરૂરી છે. ગુજરાતના અનેક ડુંગરાળ, જંગલ વિસ્તાર અને અંતરિયાળ આદિવાસી ગામોમાં આજે પણ બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.

આદિવાસી વિદ્યાર્થીઓને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ સમકક્ષ શૈક્ષણિક તકો મળે તે માટે ધરમપુર, કપરાડા, ડાંગ, વાંસદા, મહુવા, નિઝર, ડોલવણ, સાગબારા અને ડેડીયાપાડા સહિતના વિસ્તારોની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું શિક્ષણ મંત્રી દ્વારા રૂબરૂ નિરીક્ષણ કરવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા, એકલ શિક્ષક ધરાવતી શાળાઓની સમસ્યા દૂર કરવા, ધોરણ ૩, ૫, ૮ અને ૧૦ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક મૂલ્યાંકન કરવા તેમજ શાળા છોડી દેતા વિદ્યાર્થીઓનાં કારણો શોધીને યોગ્ય પગલાં લેવા રજૂઆત કરાઈ છે. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોના નિષ્ણાત શિક્ષકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને સ્થાનિક લાયકાત ધરાવતા યુવાનોને પ્રાથમિકતા આપવા પણ સૂચન કરવામાં આવ્યું છે.

દરેક ગામમાં પંચાયત ભવન અથવા સરકારી મકાનોમાં ગ્રામ્ય લાઇબ્રેરી શરૂ કરી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનાં પુસ્તકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું અભ્યાસ મટીરીયલ ઉપલબ્ધ કરાવવા અને તબક્કાવાર ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ બોર્ડ પરીક્ષાની તૈયારી માટે વિશેષ વર્ગો, NEET, JEE, GUJCET, GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન કેન્દ્રો તથા સ્માર્ટ ક્લાસની સુવિધા વધારવા સૂચવાયું છે.

અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ, ખાસ કરીને કન્યાઓ માટે સુરક્ષિત હોસ્ટેલ અને શાળા પરિવહનની વ્યવસ્થા મજબૂત બનાવવા તેમજ મિશનના અમલીકરણ માટે રાજ્યસ્તરીય સમિતિની રચના કરી દર છ મહિને પ્રગતિ અહેવાલ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ડો. નિરવ પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારના બાળકોમાં અદભુત પ્રતિભા રહેલી છે. માત્ર ભૌગોલિક પરિસ્થિતિ, ગરીબી કે શૈક્ષણિક સુવિધાઓના અભાવે કોઈ બાળક પોતાના સપનાઓથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. આથી આદિવાસી વિસ્તારોના શૈક્ષણિક વિકાસ માટે સરકાર સકારાત્મક અને સમયબદ્ધ પગલાં ભરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો