તા.11/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના એક નાના એવા કારોલ ગામે માનવતા અને સેવાભાવનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ગામના સોલંકી પરિવારે ‘ચક્ષુદાન એ જ મહાદાન’ના ઉમદા મંત્રને સાર્થક કરીને સમાજ સામે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. કારસદાયી ઘટના અનુસાર, કારોલ ગામના વતની મનુભાઈ ભીમજીભાઈ સોલંકીને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો થતાં હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારજનો દ્વારા ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે પ્રાથમિક તપાસ બાદ જ મનુભાઈને મૃત જાહેર કર્યા હતા. પરિવારના મુખ્ય સભ્યના અચાનક જવાથી સમગ્ર સોલંકી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આટલી મોટી સ્વજન ગુમાવવાની વિપદા વચ્ચે પણ પરિવારજનોએ ધૈર્ય અને માનવતા જાળવી રાખી હતી. સદગત મનુભાઈના પુત્ર વિજયભાઈ સોલંકી અને પરિવારના અન્ય સભ્યોએ ચર્ચા કરીને નિર્ણય લીધો કે, “પિતાજી હવે આપણી વચ્ચે નથી રહ્યા, પણ જો તેમના નેત્રો કોઈ જરૂરિયાતમંદના જીવનમાં અંજવાળું લાવી શકતા હોય તો તેનાથી મોટું કોઈ પુણ્ય હોઈ ન શકે.” પરિવારની સંમતિ બાદ તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલને જાણ કરવામાં આવી હતી. લીંબડી સિવિલ હોસ્પિટલના નેત્ર વિભાગના ડો. મેઘા બ્રહ્મભટ્ટ તથા તેમની નિષ્ણાત સ્ટાફ ટીમ – સ્મિત પરીખ, ભૌતિક અમરકોટિયા અને મહેશભાઈ પરમાર તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. તબીબી ટીમે સંપૂર્ણ આદર અને પ્રોટોકોલ સાથે સદગતના નેત્રો સ્વીકારવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. સોલંકી પરિવારના આ એક સંવેદનશીલ અને સેવાભાવી નિર્ણયના કારણે હવે બે જરૂરિયાતમંદ અંધ કે દ્રષ્ટિહીન વ્યક્તિઓની આંખોમાં નવી રોશની આવશે. મૃત્યુ પછી પણ મનુભાઈ પોતાના આ નેત્રો થકી આ દુનિયા જોઈ શકશે. સામાન્ય રીતે સ્વજનના અવસાન વખતે પરિવાર આઘાતમાં સરી પડતો હોય છે, ત્યારે સોલંકી પરિવારે દુઃખની આવી ક્ષણોમાં પણ સામાજિક જવાબદારી સમજીને ચક્ષુદાન કરવાનો જે સાહસિક નિર્ણય લીધો છે તેની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. મરણોત્તર અંગદાન કે ચક્ષુદાન એ અન્ય વ્યક્તિને નવજીવન આપવાનું શ્રેષ્ઠ માધ્યમ છે, અને સોલંકી પરિવારે આ કાર્ય કરીને ગ્રામીણ વિસ્તારમાં એક ઉત્તમ મિસાલ કાયમ કરી છે.









