તા.07/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના જન્મ-મરણ નોંધણી વિભાગની અણઘડ કામગીરી અને વહીવટી લાપરવાહીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરની કમલપાર્ક સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે એડવોકેટ કેતનકુમાર હર્ષદરાય શાહની પુત્રીના જન્મ દાખલામાં તંત્ર દ્વારા ગંભીર ભૂલ કરીને સાચી જન્મતારીખ બદલી નાખવામાં આવી છે. આ મામલે એડવોકેટે મનપા કમિશ્નર અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી તંત્રની બેદરકારીની પોલ ખોલી નાખી છે. અરજદાર એડવોકેટ કેતન શાહના જણાવ્યા અનુસાર, તેમની પુત્રી સાન્વીનો જન્મ 24 જુલાઈ 2005 ના રોજ નિરાલી હોસ્પિટલમાં થયો હતો. તે સમયે તંત્ર દ્વારા આપવામાં આવેલા હસ્તલિખિત દાખલામાં સાચી જન્મતારીખ 24/07/2005 જ દર્શાવવામાં આવી હતી. હોસ્પિટલના લાઈવ રેકોર્ડના લેટરપેડ, જૂના તમામ જન્મ દાખલાઓ તેમજ શાળાના પ્રમાણપત્રોમાં પણ સાન્વીની જન્મતારીખ 24/07/2005 જ બોલે છે. તાજેતરમાં જ્યારે પરિવાર દ્વારા ડિજિટલ સિસ્ટમ અનુસાર QR કોડવાળો નવો જન્મનો દાખલો મેળવવા માટે અરજી કરવામાં આવી, ત્યારે મનપાના જન્મ- મરણ વિભાગે ભારે વેઠ ઉતારીને 24 જુલાઈના બદલે જન્મતારીખ 25/07/2005 કરીને નવો દાખલો ઇશ્યૂ કરી દીધો હતો. આ ગંભીર ભૂલ ધ્યાને આવતાં જ્યારે એડવોકેટ કેતન શાહ મનપા કચેરી ખાતે ભૂલ સુધારણા માટે પહોંચ્યા, ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓનો વહીવટી મિજાજ સામે આવ્યો હતો. અરજદારનો આક્ષેપ છે કે “મનપાના અધિકારીઓએ જૂના ચોપડા બતાવી તેમાં બે અલગ-અલગ કલરની પેનથી થયેલી શંકાસ્પદ નોંધ દર્શાવી હતી અને આપણી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. એટલું જ નહીં, અમને એવો ઉડાઉ અને બિનજવાબદાર જવાબ આપવામાં આવ્યો કે – ‘એ વખતે જે હોય તેને ખબર, જૂના દાખલા કાઢી આપનાર પાસે જાવ!'” મનપા કચેરીએથી કોઈ ઉકેલ ન મળતાં અને અધિકારીઓના તોછડા વર્તનથી કંટાળીને એડવોકેટ કેતન શાહે મ્યુનિસિપલ કમિશ્નર તેમજ જિલ્લા કલેક્ટરને લેખિતમાં સત્તાવાર ફરિયાદ પાઠવી છે. તેમણે માગ કરી છે કે સરકારી દફતરે થયેલી આ ગંભીર ભૂલ તાત્કાલિક સુધારીને સાચી જન્મતારીખ (24/07/2005) વાળો નવો દાખલો આપવામાં આવે અને સરકારી ચોપડે અલગ-અલગ પેનથી થયેલી શંકાસ્પદ નોંધણી અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ અરજદાર સાથે ગેરવર્તણૂક કરનાર અને ઉડાઉ જવાબો આપનાર જવાબદાર અધિકારીઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવાય. આ અંગે વાત કરતાં એડવોકેટ કેતન શાહે જણાવ્યું હતું કે, “એક જવાબદાર નાગરિક અને કાયદાના જાણકાર હોવા છતાં જો અમારી સાથે મનપાના અધિકારીઓ આવું વર્તન કરતા હોય, તો સામાન્ય જનતાની શું હાલત થતી હશે? મારી દીકરીના ભવિષ્ય અને શૈક્ષણિક રેકોર્ડ સાથે તંત્રની બેદરકારી ચલાવી લેવાશે નહીં. જો મનપા તંત્ર આ બાબતે યોગ્ય પગલાં નહીં લે તો અમે ન્યાય મેળવવા માટે હાઈકોર્ટ સુધી કાયદાકીય લડત લડીશું.” હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપી અરજદારને ન્યાય અપાવે છે કે પછી મનપાનો વહીવટ આમ જ રામભરોસે ચાલતો રહેશે.








