
સમીર પટેલ, ભરૂચ

ભરૂચ એલસીબીએ ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો, ₹13,650નો મુદ્દામાલ કબજે
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામની સીમમાં વૃદ્ધનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવવાના ચકચારી બનાવમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી મૃતકના પુત્રને ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા. 19 ઓક્ટોબરના રોજ ઇખરથી મેશરાડ ગામ તરફ જતા માર્ગ પર નહેર નજીક ખેતરની વાડ પાસે બાવળની ઝાડીમાંથી મહંમદ યુસુફ ઉર્ફે ઇસપ પટેલ (ઉંમર આશરે 90 વર્ષ)નો અર્ધનગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં આમોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ દરમિયાન વૃદ્ધને ઇજાઓ પહોંચાડી હત્યા કર્યા બાદ સળગાવી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી. હ્યુમન સોર્સ, ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ દરમિયાન મૃતકના પુત્ર મુસ્તાક ઉર્ફે અલી (ઉંમર 57 વર્ષ)ની સંડોવણી હોવાની શંકા જતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેના પિતા ગામના લોકો પાસે પૈસા માગતા હતા અને પુત્રો તેમની સંભાળ રાખતા નથી તથા સારવાર કરાવતા નથી તેવી વાત કરતા હોવાથી પરિવારમાં બોલાચાલી થતી હતી. આ બાબતથી કંટાળીને તેણે હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પિતાને બહારના કામનું બહાનું આપી સાથે લઈ ગયો હતો. ત્યારબાદ નહેર નજીકની વાડીમાં લઈ જઈ માર માર્યો હતો અને પથ્થરથી છાતીના ભાગે ઇજા પહોંચાડી હતી. પિતાના ખિસ્સામાંથી રોકડ રકમ લઈ પેટ્રોલ છાંટી મૃતદેહને સળગાવી દીધો હોવાની કબૂલાત પણ આરોપીએ આપી હોવાનું પોલીસે જણાવ્યું છે. ઘટનાની જાણ ન થાય તે માટે પિતા ગુમ થયાની વાત ગામમાં ફેલાવી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
આરોપી પાસેથી રોકડ રૂપિયા 13,150 અને સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન, જેની કિંમત રૂપિયા 500 દર્શાવવામાં આવી છે, મળી કુલ રૂપિયા 13,650નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે આમોદ પોલીસને સોંપવામાં આવ્યો છે. સમગ્ર મામલે આમોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.










