તારીખ ૨૦/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
શિક્ષણ એ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરું પાડવાનું માધ્યમ નથી, પરંતુ બાળકોમાં સંસ્કાર, માનવતા, ભાઈચારો અને સામાજિક એકતાના ગુણો વિકસાવવાનું સશક્ત સાધન પણ છે. આ વિચારને સાર્થક કરતી સદભાવના મિશન કલાસ, બહારપુરા, ગોધરા દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે સ્પેશિયલ ગરબા સ્પર્ધા–2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના શિક્ષક ઈમરાનભાઇ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ગરબા રમીને કોમી એકતા, એખલાસ અને સર્વધર્મ સમભાવનો સુંદર સંદેશ આપ્યો હતો.
સદભાવના મિશન કલાસ છેલ્લા 16 વર્ષથી ગરીબ, અનાથ, ઝૂંપડપટ્ટી વિસ્તારના તથા મધ્યમ વર્ગનાં બાળકોને મફત શિક્ષણ કોચિંગ આપીને તેમની શૈક્ષણિક પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ છે.સંસ્થાના સંચાલક ડૉ. સુજાત વલીના માર્ગદર્શન હેઠળ સંસ્થા શિક્ષણની સાથે બાળકોના સર્વાંગી વિકાસ, સામાજિક જાગૃતિ અને માનવીય મૂલ્યોના સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.સંસ્થાની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓને આગળ ધપાવવામાં શિક્ષક ઈમરાનભાઇ નું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેઓ છેલ્લા 16 વર્ષથી અથાગ પરિશ્રમ અને સેવાભાવના સાથે બાળકોના શિક્ષણ, સંસ્કાર અને વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે. બાળકોને અભ્યાસની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળે અને તેમનામાં આત્મવિશ્વાસ તથા એકતાની ભાવના કેળવાય તેવા હેતુથી નવરાત્રીના ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.હિન્દુ ધર્મના પવિત્ર નવરાત્રી પર્વ દરમિયાન મુસ્લિમ શિક્ષકના માર્ગદર્શન હેઠળ ગરબાનું આયોજન થવું એ ગંગા-જમુની સંસ્કૃતિ, ધાર્મિક સહિષ્ણુતા અને કોમી એખલાસનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ રંગબેરંગી પરિધાનમાં મનમોહક અંદાજે ગરબા રમીને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓનાં મન જીતી લીધાં હતાં. બાળકોના ચહેરા પર જોવા મળતું સ્મિત, ઉત્સાહ અને આનંદ સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી રહ્યા હતા.સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ડૉ. સુજાત વલી, નગરપાલિકા કાઉન્સિલર સામાનની પપ્પીભાઈ, સોલંકી મિત્તલબેન અને વાલ્મીકિ યુવક મંડળના આયોજક ચૌહાણ મુકેશભાઈ અને વાલ્મીકિ યુવકની તમામ મહિલા ગ્રુપ વગેરે વિવિધ સંસ્થાઓના મહેમાનો દ્વારા લાણી અને ભેટ આપવામાં આવી હતી. સદભાવના મિશન કલાસ બહારપુરા ગોધરામા અભ્યાસ પુર્ણ કરી પિતા વિહોણી સોલંકી દિવ્યા અર્જુનભાઈ જીએનએમ નર્સિંગની ડિગ્રી સિધ્ધિ મળવા બદલ તમામ માહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સંસ્થાના સંચાલક ડૉ. સુજાત વલી તરફથી ગરબા સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભરવાડ જહલ, પઢિયાર ભાવ્ય, ભરવાડ નિકિતા, વંશ, સોલંકી રુહી, સોલંકી ભાવિકા, દર્શન, સોલંકી સંજના, સોલંકી જીયા ચૌહાણ નક્ષ વગેરે ટોપ-10 વિજેતા બાળકોને વિશેષ રોકડ ઇનામ, ગીફત અને પ્રમાણપત્રો મહાનુભાવોના હસ્તે એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનથી બાળકોમાં ખુશીની લાગણી સાથે ભવિષ્યમાં વધુ સારી કામગીરી કરવાની પ્રેરણા પણ જાગી હતી.કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શાહ અર્પિતાબેન, ગીરાબેન મહેતા તથા વેક્યૂમ ક્લીનર વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઈએ તથા વાલ્મીકિ યુવક મંડળની તમામ મહિલા ગ્રુપ દ્વારા સેવા આપી હતી. સ્પર્ધામાં બાળકોની ગરબા રજૂઆત, ઉત્સાહ અને કલાત્મક અભિવ્યક્તિને ધ્યાનમાં રાખીને વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના સંચાલક ડૉ.સુજાત વલી,શિક્ષક ઈમરાનભાઇ ,અવિનાશ મિસ્ત્રી તેમજ નિર્ણાયકો અને અન્ય સહયોગીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વાલીઓએ પણ બાળકોને પ્રોત્સાહન આપીને કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો.
સદભાવના મિશન કલાસ, બહારપુરા, ગોધરાનો આ ગરબા મહોત્સવ માત્ર મનોરંજન કે સ્પર્ધા પૂરતો મર્યાદિત રહ્યો નહોતો, પરંતુ શિક્ષણ, સંસ્કાર, સાંસ્કૃતિક સમન્વય અને સામાજિક એકતાનો સંદેશ આપતો પ્રેરણાદાયી પ્રસંગ બન્યો હતો. ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા, પ્રેમ અને ભાઈચારાની ભાવના સૌને એકસાથે જોડે છે, એ વાત આ કાર્યક્રમ દ્વારા સાબિત થઈ હતી.અંતમાં સંસ્થાના સંચાલક ડૉ. સુજાત વલી, શિક્ષક ઈમરાનભાઇ તથા સંસ્થાના વતી તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોને નવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ સમાજમાં શાંતિ, સંપ, ભાઈચારો અને કોમી એકતા જળવાઈ રહે તથા દરેક બાળકને શિક્ષણ અને પ્રગતિની સમાન તક મળે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.











