તા.૦૮.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદના ટ્રાફિકથી ધમધમતા ઠક્કર ફળિયામાં જંગલી શિયાળ ઘરમાં ઘૂસતા ફફડાટ:પ્રકૃતિ મિત્ર મંડળે ભારે જહેમત બાદ કર્યું રેસ્ક્યુ
દાહોદ શહેરના હાર્દ સમાન અને સતત ટ્રાફિકથી ધમધમતા ઠક્કર ફળિયા વિસ્તારમાં આજે એક જંગલી શિયાળ ઘૂસી જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ વન્યજીવ એક સ્થાનિક રહીશના ઘરના બાથરૂમમાં ભરાઈ જતાં પરિવારજનો ભયના માર્યા ફફડી ઉઠ્યા હતા. જોકે, વન્યજીવ સંસ્થાની સમયસૂચકતાને કારણે એક મોટી આફત ટળી હતી અને શિયાળનું સલામત રેસ્ક્યુ કરાયું હતું.મળતી માહિતી મુજબ, ઠક્કર ફળિયામાં આવેલા એક મકાનના બાથરૂમમાં અચાનક એક અજાણ્યું પ્રાણી ઘૂસી ગયું હોવાનું ઘરના સભ્યોના ધ્યાને આવ્યું હતું. નજીક જઈને જોતા તે એક જંગલી શિયાળ હોવાનું માલૂમ પડ્યું હતું. ભરચક વસ્તીવાળા વિસ્તારમાં વન્યજીવ દેખાતા જ આસપાસના લોકોમાં પણ કુતૂહલ અને ફફડાટ વ્યાપી ગયો હતો. ઘરના સભ્યોએ સહેજ પણ ગભરાયા વિના તાત્કાલિક દાહોદની જાણીતી વન્યજીવ સંસ્થા ‘પ્રકૃતિ મિત્ર મંડળ’ના સભ્યોને આ અંગે જાણ કરી હતી.ઘટનાની ગંભીરતા સમજીને પ્રકૃતિ મિત્ર મંડળની રેસ્ક્યુ ટીમ તમામ સાધન-સામગ્રી સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શિયાળ ગભરાયેલું હોવાથી તેને પકડવું ઘણું પડકારજનક હતું. પરંતુ રેસ્ક્યુ ટીમના અનુભવી સભ્યોએ ભારે જહેમત બાદ આ જંગલી શિયાળને કોઈ પણ ઈજા પહોંચાડ્યા વિના સલામત રીતે પાંજરે પૂર્યું હતું.સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, હાલમાં આ જંગલી શિયાળને પ્રકૃતિ મિત્ર મંડળના રેસ્ક્યુ સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન (દેખરેખ) હેઠળ રાખવામાં આવ્યું છે. તેની તબિયતની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ વન વિભાગની મંજૂરીથી તેને ટૂંક સમયમાં જ તેના કુદરતી આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.ધોળા દિવસે વસ્તીવાળા વિસ્તારમાં ઘૂસેલું જંગલી શિયાળ આખરે હેમખેમ પકડાઈ જતાં મકાનમાલિક સહિત આસપાસના સ્થાનિક રહીશોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો અને પ્રકૃતિ મિત્ર મંડળની ટીમની ત્વરિત કામગીરીની સરાહના કરી હતી










