તા.23/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમાર અને RMO ડૉ. કુમાર આસિતની ઉપસ્થિતિમાં તમામ વર્ગના કર્મચારીઓએ કર્યું શ્રમદાન

સુરેન્દ્રનગર જિલ્લા સ્થિત મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ તથા સાફ-સફાઈ ઝુંબેશનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના તમામ તબીબો, અધિકારીઓ અને કર્મચારીઓએ એકજૂથ થઈને દેશની સ્વચ્છતા પ્રત્યે પોતાની નિષ્ઠા દર્શાવી હતી અને સમગ્ર હોસ્પિટલ પરિસરને સુઘડ તેમજ આરોગ્યપ્રદ રાખવા માટેના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન હોસ્પિટલના વર્ગ-૧ થી લઈને વર્ગ-૪ સુધીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશને સ્વચ્છ બનાવવાના આ મહાયજ્ઞમાં પોતાનું સતત યોગદાન આપવા સ્વેચ્છાએ પ્રતિ વર્ષ ૧૦૦ કલાકનો સમય સ્વચ્છતા કાર્યોમાં ફાળવવાનો દૃઢ સંકલ્પ લીધો હતો. આ તકે સ્વચ્છ ભારત મિશનના સંદેશને છેવાડાના માનવી સુધી પહોંચાડવા, જાહેરમાં કચરો ન ફેંકવા, અન્ય કોઈને પણ કચરો ફેંકવા ન દેવા તેમજ પોતાનાથી જ સ્વચ્છતાની શરૂઆત કરવાની હોસ્પિટલના સ્ટાફ દ્વારા ભાવપૂર્વક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયા બાદ હોસ્પિટલ પરિસરમાં વ્યાપક શ્રમદાન સાથે સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ અભિયાન મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમાર તથા ઈનચાર્જ નિવાસી તબીબી અધિકારી ડૉ. કુમાર આસિતના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ યોજાયું હતું, જેમાં વર્ગ-૧ ના તજજ્ઞો, વર્ગ-૨ ના તબીબો અને વર્ગ-૩ તથા વર્ગ-૪ ના તમામ કર્મચારીઓએ ઉત્સાહભેર જોડાઈને સક્રિય શ્રમદાન કર્યું હતું. તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળીને હોસ્પિટલના વિવિધ વિભાગો, વોર્ડ તેમજ બાહ્ય પરિસરમાંથી કચરો એકત્રિત કરી યોગ્ય નિકાલ કર્યો હતો. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાં- સંબંધીઓને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલા આ સરાહનીય પ્રયાસને સ્થાનિકો દ્વારા પણ બિરદાવવામાં આવ્યો હતો.









