તા.23/09/2029/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


જિલ્લા પંચાયત પ્રમુખ અને પદાધિકારીઓ અધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને વધુ સશક્ત બનાવવા અને ગ્રામીણ વિસ્તારના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ૧૫મા નાણાંપંચના જિલ્લા વિકાસ પ્લાન અંતર્ગત મંજૂર થયેલા રૂ. ૭૩ લાખના ખર્ચે આધુનિક જેટીંગ મશીનોનું લોકાર્પણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી અજયસિંહ રાણા, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશ દવે સહિતના મહાનુભાવોએ એકત્રિત થઈને આ મશીનોને લીલીઝંડી આપીને શુભારંભ કરાવ્યો હતો.
આ મશીનરી ચુડા, સાયલા અને લખતર તાલુકાઓ માટે ખાસ મંજૂર કરવામાં આવી હતી, જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સંબંધિત તાલુકા પંચાયતોને સુપ્રત કરી દેવામાં આવી છે. આ આધુનિક જેટીંગ મશીનો આવી જવાથી હવે આ ત્રણેય તાલુકાઓમાં ભૂગર્ભ ગટરની નિયમિત સફાઈ, લાઈનોમાં ઊભા થતાં બ્લોકેજ દૂર કરવાની કામગીરી તેમજ સ્વચ્છતાને લગતા અન્ય કાર્યો વધુ ઝડપી, સુચારૂ અને અસરકારક બની શકશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય સર્વેશ્રી વિજયભાઈ, ભાઈલાલભાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાર્થ પરમાર તેમજ શ્વેતા તિવારી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના આ પ્રજાલક્ષી અભિગમથી તાલુકા મથકો અને ગ્રામીણ વિસ્તારોમાં ડ્રેનેજ સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે.









