મુળીના દુધઈ ગામે ખનિજ માફિયાઓ પર ખાણ-ખનિજ વિભાગનો સકંજો: ગેલા રબારીને 19 લાખનો દંડ ફટકારાયો

તા.23/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દુધઈ ગામે બેફામ બનેલા ગેરકાયદેસર ખનન સામે ખાણ-ખનિજ વિભાગે આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. દુધઈમાં ગેરકાયદેસર ફાયરકલે ખનન અને વહન કરતા કુખ્યાત ખનિજ માફિયા ગેલા વસરામ રબારીને તંત્રે અલગ-અલગ કેસોમાં કુલ રૂ. ૧૯ લાખથી વધુનો દંડ ફટકારી કડક પગલાં લીધા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દુધઈ મુકામે ગેલા વસરામ રબારીના નામે ફાયરકલેની લીઝ આવેલી છે, જે છેલ્લા બે વર્ષથી સત્તાવાર રીતે સીલ થયેલી છે. તેમ છતાં લીઝની બાજુમાં જ ગેરકાયદેસર રીતે અંદાજે ૫,૬૦૦ ટન ફાયરકલેનું ખોદકામ કરી ખનન-વહન કરવામાં આવી રહ્યું હોવાનું ખાણ-ખનિજ વિભાગની ગત ૧૧ સપ્ટેમ્બરના રોજ થયેલી સ્થળ તપાસમાં બહાર આવ્યું હતું. નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવા બદલ તંત્ર દ્વારા તેને રૂ. ૧૬.૩૦ લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગેલા રબારીની પત્નીના નામે ધમધમતા સિલિકા સ્ટોન ક્રશર (ભરડિયા) પર પણ ખાણ-ખનિજ વિભાગે તપાસ હાથ ધરી હતી. કોઈપણ પ્રકારની પાસ-પરમિટ વગરનો અંદાજે ૩૮૮ ટન સિલિકાનો જથ્થો મળી આવતા તેને રૂ. ૨.૬૨ લાખનો દંડ કરાયો હતો અને અનેક ગેરરીતિઓ પકડાતા આ ભરડિયું સીલ કરી દેવામાં આવ્યું છે. અગાઉ પણ મુળી મામલતદાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ સ્થળે રેડ કરી વાહનો સીલ કરવામાં આવ્યા હતા. ગામલોકોને ધમકીઓ અને બેફામ ખનિજ ચોરી દુધઈ ગામે ખનિજ સંપદા ભરપૂર હોવાથી લાંબા સમયથી મોટા પાયે ખનિજ ચોરી થઈ રહી છે. રાત્રે અને વહેલી સવારે ટ્રકો અને ડમ્પરો દ્વારા સફેદ માટી મોરબી તરફ મોકલવામાં આવે છે, જ્યારે રાત્રે વિસ્ફોટોથી ધરતી ધણધણી ઉઠે છે અને હિટાચી તથા જેસીબી મશીનો દ્વારા રાતભર ખનન ચાલે છે. આ ગેરરીતિઓ સામે ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ અગાઉ મામલતદાર મુળી અને ચોટીલા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆતો કરી હતી. જેના પગલે ખનિજ માફિયાઓ દ્વારા પંચાયતના સભ્યોને ધાકધમકી આપવાના વિડિઓઝ પણ વાયરલ થયા હતા. ખાણ-ખનિજ વિભાગની આ કડક કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ભારે દોડધામ મચી જવા પામી છે અને માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જોકે, આ કાર્યવાહી બાદ માફિયાઓને બચાવવા માટે રાજકીય ભલામણોના ફોનની ઘંટણીઓ પણ રણકવા લાગી છે, પરંતુ તંત્રની આ લાલ આંખથી ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

35
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો