ગ્લેશિયર પીગળીને રચાયેલા અસ્થિર તળાવો ફાટવાથી દુનિયાના 1.50 કરોડ લોકો પર મોતનું જોખમ !!!

નેપાળ અને તિબ્બત સરહદી ક્ષેત્રમાં તાજેતરમાં આવેલી વિનાશક પૂરની હોનારતે સમગ્ર વિશ્વનું ધ્યાન પર્વતીય વિસ્તારો પર મંડરાઈ રહેલા એક અતિ ગંભીર અને ભયાનક જોખમ તરફ ખેંચ્યું છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે આ આફત પાછળ ‘ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ’ (GLOF) એટલે કે હિમનદી પીગળવાથી બનેલા તળાવો ફાટવાની ઘટના જવાબદાર છે. વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલય સહિત વિશ્વના વિવિધ પર્વતો પરથી ગ્લેશિયરો ઝડપથી ઓગળી રહ્યા છે, જેના કારણે રચાયેલા અસ્થિર તળાવો ફાટવાથી દુનિયાના આશરે 1.50 કરોડ લોકો પર મોતનું જોખમ તોળાઈ રહ્યું છે.

વિજ્ઞાનીઓના તાજેતરના અહેવાલો મુજબ, માનવસર્જિત વાતાવરણીય ફેરફારોને કારણે ગ્લેશિયરો આકુંચન પામી રહ્યા છે. 1990 ના દાયકાથી ગ્લેશિયર પીગળીને બનતા તળાવોની સંખ્યા અને ક્ષેત્રફળમાં 50 ટકા સુધીનો જંગી વધારો થયો છે. આ તળાવો કોઈ મજબૂત કૃત્રિમ બંધથી નહીં પરંતુ બરફ, પથ્થર અને માટીના કુદરતી કાંપ (મોરેન) થી ઘેરાયેલા હોય છે. તેથી ભૂકંપ, અતિવૃષ્ટિ કે બરફનો મોટો ટુકડો તૂટી પડવાથી આ કચ્ચા બાંધ તૂટી પડે છે અને કરોડો લીટર પાણી ઘસમસતા પૂરના સ્વરૂપે નીચે આવેલી ઘાટીઓને વહાવી જાય છે.

વર્ષ 2023 માં ‘નેચર કમ્યુનિકેશન્સ’ જર્નલમાં પ્રકાશિત ગ્લોબલ રિસ્ક મેપ અનુસાર, GLOF નો સૌથી વધુ ભોગ બનનારા વિસ્તારોમાં મધ્ય એશિયા અને હિમાલય ક્ષેત્ર અગ્રણી છે. પેરૂ, ભારત, પાકિસ્તાન અને ચીનના પહાડી વિસ્તારોમાં જ આ સંભવિત ખતરાનો સામનો કરી રહેલી અડધોઅડધ વસ્તી વસે છે. પર્વતીય વિસ્તારોમાં વધતી જતી માનવ વસવાટની ઘનતાને કારણે કુદરતી આફતોમાં જાનમાલનું નુકસાન સતત વધી રહ્યું છે. 2010 ના દાયકાથી આવી ઘટનાઓની વાર્ષિક સરેરાશમાં 6 ગણો વધારો નોંધાયો છે.

સ્વિત્ઝરલેન્ડ જેવા દેશોએ ગ્લેશિયર ક્ષેત્રોમાં સેન્સર અને અર્લી વોર્નિંગ સિસ્ટમ ગોઠવીને સમયસર ગ્રામીણ વિસ્તારો ખાલી કરાવી જાનહાનિ અટકાવવામાં સફળતા મેળવી છે. ભારત, નેપાળ અને પાકિસ્તાન જેવા વિકાસશીલ દેશો માટે હિમાલયની ઉચ્ચ શિખરો પર કડક મોનિટરિંગ કરવું પડકારજનક છે. તેમ છતાં, સેટેલાઈટ ઈમેજિંગ, સ્થાનિક ચેતવણી પ્રણાલી, સાર્વજનિક જાગૃતિ અને જોખમી ઘાટીઓમાં અનિયંત્રિત બાંધકામો અટકાવીને જ લાખો લોકોના જીવ બચાવી શકાશે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો