100 વર્ષ જૂના ચામુંડા માતાજીના મંદિરમાં ચોરીનો ભેદ હજુ અકબંધ, 52 ગામ માચી સમાજની કલેક્ટરને રજૂઆત…

પટણ ગામે આવેલી આસ્થાના કેન્દ્ર સમાન ચામુંડા માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બાદ તપાસ આગળ ન વધ્યાનો રજૂઆતમાં આક્ષેપ, ચોરીનો ભેદ ઉકેલી
આરોપીઓને ઝડપી પાડવાની માંગ….
અમીન કોઠારી મહીસાગર:
લુણાવાડા તાલુકાના પટણ ગામે આવેલા આશરે 100 વર્ષ જૂના શ્રી ચામુંડા માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ આજદિન સુધી ઉકેલાયો ન હોવાનો મુદ્દો સામે આવ્યો છે. આ મામલે 52 ગામ માછી સમાજના લોકો દ્વારા મહીસાગર જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ચોરીની ઘટનાની યોગ્ય તપાસ કરાવી ભેદ ઉકેલવા અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆત મુજબ, પટણ ગામે માછી સમાજની કુળદેવી તરીકે આસ્થાનું કેન્દ્ર ગણાતા શ્રી ચામુંડા માતાજીના આશરે 100 વર્ષ જૂના મંદિરમાં તા. 23 એપ્રિલ, 2025ના રોજ ચોરીની ઘટના બની હતી. ઘટનાને લઈને પોલીસ ફરિયાદ/FIR નોંધાવવામાં આવી હોવા છતાં રજૂઆત કરનારાઓના જણાવ્યા મુજબ ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી.
મંદિર સાથે મોટી સંખ્યામાં લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી હોવાથી ચોરીની ઘટના બાદ સમાજમાં ચિંતા અને નારાજગી જોવા મળી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. લાંબો સમય વીતી જવા છતાં ચોરીમાં સંડોવાયેલા લોકો સુધી પોલીસ પહોંચી શકી નથી અને ચોરી ગયેલી વસ્તુઓ અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, તેવી રજૂઆત કરવામાં આવી છે.

કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક તપાસની માંગ…
52 ગામ માચી સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલી રજૂઆતમાં સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ અગાઉ નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે તપાસને વધુ અસરકારક બનાવી ચોરીનો ભેદ ઉકેલવામાં આવે, ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડવામાં આવે અને ચોરી ગયેલો મુદ્દામાલ પરત મેળવવા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.









