સાબરકાંઠા, ૨૯ ઓક્ટોબર
સાબરકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારના સમયે દૈનિક સમાચારપત્રના નામે ઉઘરાણી કરતા કેટલાક વ્યક્તિઓ અને પત્રકારો સામે કાર્યવાહી કરવાની માંગ સમાચારપત્રના માલિકો દ્વારા કરવામાં આવી છે. આ બાબતે જિલ્લા એસપી કચેરીમાં જાણ કરાઈ છે.

જિલ્લામાં દિવાળીના અવસરે કેટલાક લોકો દૈનિક સમાચારપત્રના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરીને વ્યાપારીઓ અને નાગરિકો પાસેથી ઉઘરાણી કરી રહ્યા છે. આવા લોકો બિલાડીના ટોપની જેમ અચાનક નીકળી પડીને વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યા છે અને અખબારના નામે નાણાં એકત્રિત કરી રહ્યા છે. આ પ્રકારની પ્રવૃત્તિથી વાસ્તવિક સમાચારપત્રો અને તેમના કર્મચારીઓની પ્રતિષ્ઠા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે.
સમાચારપત્રના માલિકોએ આ બાબતે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે દિવાળીના સમયે આવી ઉઘરાણી કરતા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી અખબારી ક્ષેત્રની મર્યાદા અને વિશ્વસનીયતા જળવાઈ રહે. આ માંગ સાથે જિલ્લા એસપી કચેરીમાં લેખિતમાં જાણ કરવામાં આવી છે.
પોલીસ વહીવટીતંત્રે આ બાબતે ધ્યાન આપ્યું છે અને આવી ફરિયાદોની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. સમાચારપત્રના માલિકોએ વ્યાપારીઓ અને નાગરિકોને પણ સાવધાની રાખવાની અપીલ કરી છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ અખબારના નામે ઉઘરાણી કરવા આવે તો તેની ઓળખ ચકાસી લેવી અને જરૂર પડ્યે પોલીસને જાણ કરવી.
આ પ્રકારની ઘટનાઓથી જિલ્લામાં મીડિયા ક્ષેત્રમાં વધુ પારદર્શિતા અને નિયમનની જરૂરિયાત ઊભી થઈ છે.
જયંતિ પરમાર સાબરકાંઠા 









