29 ઓકટોમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભીલડી ખાતે તૈયારીઓની સમીક્ષા કરી; વહીવટી તંત્ર સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું.કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધી:વડાપ્રધાનશ્રી ભીલડીથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”નો ૨૪મો હપ્તો રિલીઝ કરશે.
દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય મળશે
ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની સહાય પ્રાપ્ત થશે.
રાજ્યમાં ૩૪ જિલ્લા કક્ષાના તેમજ ૨,૧૦૦થી વધુ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમો યોજાશે, જેમાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે.વડાપ્રધાનશ્રી ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBRC), બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT–ASRSનું લોકાર્પણ કરશે.બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે નવા ૨ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન થશે.કૃષિ મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી – એકતાનગર ખાતે યોજાનાર સૂચિત કાર્યક્રમોની પણ વિગતો આપી.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ ગુજરાતના આંગણે પધારી રહ્યા છે. વડાપ્રધાનશ્રીની આ મુલાકાત પૂર્વે આજે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ બનાસકાંઠાના ભીલડી ખાતે પહોંચીને વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં યોજાનાર ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સર્વાંગી સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ વહીવટી તંત્ર સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ત્યારબાદ એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી.કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૩૦ ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના ભીલડી ખાતે રાષ્ટ્રીય કક્ષાના “પીએમ કિસાન ઉત્સવ દિવસ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”ના ૨૪મા હપ્તાની રકમ દેશભરના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.આ ૨૪મા હપ્તા હેઠળ સમગ્ર દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય મળશે, જે પૈકી એકલા ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની આર્થિક સહાય પ્રાપ્ત થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ૧ થી ૨૩ હપ્તાઓ દ્વારા દેશના ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. ૪,૪૭,૦૦૦ કરોડથી વધુ તથા ગુજરાતના ૬૯.૨૬ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ. ૨૪,૧૩૭ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી ચૂકી છે.તેમણે ઉમેર્યું હતું કે, ભીલડી ખાતે આયોજિત આ રાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીના હસ્તે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે અનેક મહત્વના પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન થશે. જેમાં રૂ. ૩૨૮.૭૭ કરોડના ખર્ચે તૈયાર ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBRC)નું લોકાર્પણ, બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે નવા ૨ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન તથા બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT – ASRSનું ઇ-લોકાર્પણ સમાવિષ્ટ છે.આ રાષ્ટ્રીય કાર્યક્રમનું સમગ્ર દેશ તથા ગુજરાતના ખૂણે-ખૂણામાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ૩૪ જિલ્લા કક્ષાના તેમજ ૨,૧૦૦થી વધુ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમો યોજાશે, જેમાં વિવિધ મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમો દરમિયાન સ્થળ પર જ કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓના મંજૂરી પત્રોનું લાભાર્થી ખેડૂતોને વિતરણ કરાશે.
મંત્રીશ્રીએ રાજ્યના તમામ ખેડૂત ભાઈ-બહેનોને નજીકના કેન્દ્ર કે વેબકાસ્ટ લિંક મારફત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.મંત્રીશ્રીએ એકતાનગર ખાતે યોજાનાર વડાપ્રધાનશ્રીના સૂચિત કાર્યક્રમો અંગે વિગતો આપતા કહ્યું કે, તા. ૩૦ ઓક્ટોબરના રોજ સાંજે વડાપ્રધાનશ્રી સ્ટેચ્યુ ઑફ યુનિટી-એકતાનગર ખાતે ‘ભારત પર્વ’ પેવેલિયનની મુલાકાત લેશે અને ત્યારબાદ કલ્ચરલ ગ્રાઉન્ડ ખાતે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા પ્રસ્તુત થનાર ભવ્ય નાટક ‘આનંદમઠ’ નિહાળશે.રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે તા. ૩૧ ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે સવારે વડાપ્રધાનશ્રી સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ, એકતાનગર ખાતે વિવિધ જનકલ્યાણકારી વિકાસલક્ષી પ્રકલ્પોનું ભૂમિપૂજન, શિલાન્યાસ અને લોકાર્પણ કરશે.આ ઉપરાંત વડાપ્રધાનશ્રી સવારે ‘આરંભ ૨૦૨૬’ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે તથા બપોરે ટેન્ટ સિટી ખાતે દેશના તાલીમાર્થી અધિકારીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ સાધશે. વધુમાં, સાંજે પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના મુખ્ય ઉજવણી સમારોહમાં વડાપ્રધાનશ્રી મુખ્યાતિથિ તરીકે સહભાગી થઈ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલશે.આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીની સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

















