બોરીગાંવઠામાં પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ડાંગ દ્વારા આયોજિત વિશેષ વૈજ્ઞાનિક અભિગમ તાલીમમાં 65 પશુપાલક બહેનો ભાગ લીધો…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં પશુપાલકોને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી પશુપાલન કરવા પ્રોત્સાહિત કરી તેમની આવક અને આત્મનિર્ભરતા વધારવાના હેતુથી પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટીદ્વારા તા. 18 સપ્ટેમ્બરના રોજ વઘઇ તાલુકાના બોરીગાંવઠા ગામે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પશુધન વ્યવસ્થાપનમાં વૈજ્ઞાનિક અભિગમ’ વિષયક આ તાલીમમાં કુલ 65 મહિલા પશુપાલકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન પશુ રહેઠાણ, પશુ વ્યવસ્થાપન, યોગ્ય પશુ પસંદગી તેમજ વૈજ્ઞાનિક પશુ પોષણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ડો. એસ. બી. કાપડી (પશુચિકિત્સા અધિકારી) દ્વારા પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદ્દેશો અને વિવિધ કામગીરીની માહિતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ડૉ. એમ.એમ. ઇસ્લામ (સહ પ્રાધ્યાપક)એ પશુ રહેઠાણ અને વ્યવસ્થાપનમાં વૈજ્ઞાનિક અભિગમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.ડૉ. ઉત્સવભાઈ એસ. સુરતી (મદદનીશ પ્રાધ્યાપક)દ્વારા પશુ પસંદગી અને પશુ પોષણમાં વૈજ્ઞાનિક અભિગમ અંગે સરળ ભાષામાં મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તાલીમના અંતે ડૉ. એમ. એમ. ઇસ્લામ, ડૉ. ઉત્સવભાઈ એસ. સુરતી અને ડૉ. એસ. બી. કાપડી દ્વારા મહિલા પશુપાલકોના પ્રશ્નો અને મૂંઝવણો સાંભળી સ્થળ પર જ યોગ્ય માર્ગદર્શન અને નિરાકરણ આપવામાં આવ્યું હતું. પશુપાલકોને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમ દરમિયાન પશુપાલન વિષય આધારિત સાહિત્યની કિટ તેમજ પશુના પોષણ માટે જરૂરી મિનરલ મિશ્રણનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના થકી પશુપાલકોને પશુઓના યોગ્ય પોષણ અને વૈજ્ઞાનિક સંભાળ અંગે વ્યવહારુ જ્ઞાન મેળવવામાં મદદ મળશે.

આ સમગ્ર કાર્યક્રમ ડૉ. ઉત્સવભાઈ એસ. સુરતી અને ડૉ. એસ. બી. કાપડી દ્વારા, **ડૉ. એમ. એમ. ઇસ્લામ (હેડ, પી.વી.કે.)**ના નેતૃત્વ હેઠળ યોજાયો હતો. કાર્યક્રમને ડૉ. વી. એસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, નવસારી) તથા ડૉ. જે. એસ. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામક, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર)નું માર્ગદર્શન મળ્યું હતું.

પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા આયોજિત આવી તાલીમ પ્રવૃત્તિઓથી ડાંગના ગ્રામ્ય વિસ્તારોના પશુપાલકોમાં વૈજ્ઞાનિક પશુપાલન અંગે જાગૃતિ વધવાની સાથે પશુપાલન ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની નવી દિશા મળી રહી છે.

29
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો