વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના નડગખાદી ગામના ચિકાર ફળિયામાં ફેલાયેલો દીપડાનો ભય આખરે શમ્યો છે. ગત મોડી રાત્રે નડગખાદી–દાવદહાડ ગામની સરહદ નજીક આવેલા ચિકાર ફળિયામાં રાજુભાઈ શિલુભાઈ ચૌધરીના ઢોર રાખવાના શેડમાં એક દીપડો ઘૂસી આવ્યો હતો અને ત્યાં બાંધેલા નાના બળદનું મારણ કર્યું હતુ. આ બનાવની જાણ થતા જ દક્ષિણ વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યુ હતુ. અને તેના પર સતત નજર રાખી હતી.દક્ષિણ વન વિભાગની ચિચીનાગાવઠા રેંજની ત્વરિત કામગીરીના પરિણામે, રાત્રે આશરે ૧૧ વાગ્યે બળદનું મારણ કરનાર દીપડો આખરે પાંજરામાં પકડાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતાં જ વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તેનો કબજો મેળવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં દક્ષિણ વન વિભાગની ચિચીનાગાવઠા રેંજ દ્વારા આ દીપડાને તેના કુદરતી આવાસ એવા સુરક્ષિત ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, જેને પગલે સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે..









