અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાની તમામ શાળાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
‘સેવા સંકલ્પ અભિયાન ‘ અને ‘સેવા મારું યોગદાન’ હેઠળ વિદ્યાર્થીઓ બન્યા સ્વચ્છતાના દૂત

અરવલ્લી જિલ્લાના તમામ ગામોની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત ‘સેવા મારું યોગદાન’ થીમ સાથે ‘સ્વચ્છતા હી સેવા’ પ્રકાલ્પને પ્રાધાન્ય આપીને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના બાળકો અને યુવાનોમાં બાળપણથી જ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ ટેવોના સંસ્કારોનું સિંચન થાય તેવા મુખ્ય આશય સાથે શાળા કક્ષાએ વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.
તમામ શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તદુપરાંત, શાળાના વર્ગખંડો, પરિસર અને આસપાસના જાહેર વિસ્તારોની સફાઈ માટે વિશેષ શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખીલે અને સ્વચ્છતાનો સંદેશ ઘરોઘર પહોંચે તે માટે વ્યક્તિગત સ્વચ્છતા, યોગ્ય રીતે હાથ ધોવા, માસિક સ્વચ્છતા (Menstrual Hygiene) અને સુરક્ષિત પીવાના પાણીના મહત્વ જેવા વિવિધ વિષય આધારિત ચિત્ર કલા સ્પર્ધાઓનું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઓના આ ભગીરથ પ્રયાસો દ્વારા સમગ્ર અરવલ્લી જિલ્લાને સ્વચ્છ, સુંદર અને ગંદકીમુકત બનાવવા માટે શાળા પરિવાર તથા ગ્રામજનોને ઉમંગભેર જોડાવા જિલ્લા પ્રશાસન દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.










