સરકારી માપણી કરી દબાણની કાયદેસરતા ચકાસવા અને ગેરકાયદેસર સાબિત થાય તો જમીન પુનઃસ્થાપિત કરવાની માંગ

કામરેજ, સુરત: કામરેજ તાલુકાના અંત્રોલી ગામમાં ગૌચર જમીન ઉપર થયેલા કથિત અનધિકૃત દબાણ અંગે તંત્ર સમક્ષ ગંભીર રજૂઆત કરવામાં આવી છે. ગૌચર જમીન ઉપર ખાનગી કબજો, બાંધકામ, વાડ, રસ્તો, પ્લોટિંગ અથવા અન્ય ઉપયોગ કરવામાં આવ્યો હોવાની રજૂઆતને પગલે સમગ્ર મામલે તાત્કાલિક સરકારી તપાસની માંગ ઉઠી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, અંત્રોલી ગામની ગૌચર જમીન ગ્રામજનો અને પશુધનના સામૂહિક હિત સાથે સંકળાયેલી હોવાથી તેના ઉપયોગ અંગેની કાયદેસરતા સ્પષ્ટ કરવી જરૂરી છે. આ માટે TDO, મામલતદાર તથા સંબંધિત મહેસૂલ અને પંચાયત અધિકારીઓની સંયુક્ત સ્થળ તપાસ કરી પંચનામું તથા ફોટોગ્રાફી/વિડિયોગ્રાફી કરવાની માંગ કરવામાં આવી છે.
સૌથી મહત્વની માંગ તરીકે DILR અથવા સક્ષમ જમીન માપણી અધિકારી મારફતે સત્તાવાર માપણી અને ડિમાર્કેશન કરાવી ગૌચર જમીનનો ચોક્કસ સર્વે/બ્લોક નંબર, કુલ વિસ્તાર તથા કથિત દબાણ હેઠળનો વિસ્તાર નક્કી કરવાની રજૂઆત કરવામાં આવી છે. સાથે 7/12, ગામ નમૂના નં.6, હકપત્રક, ગામ નકશો સહિતના મહેસૂલી રેકોર્ડની ચકાસણી કરવાની પણ માંગ છે.
રજૂઆતમાં ગુજરાત સરકાર દ્વારા ગૌચર જમીનના સંરક્ષણ અને વ્યવસ્થાપન અંગે કરવામાં આવેલા ઠરાવો, પરિપત્રો તથા નીતિગત જોગવાઈઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગૌચર જમીનનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય તો સક્ષમ સત્તાની મંજૂરી અને નિર્ધારિત પ્રક્રિયાનું પાલન થયું છે કે નહીં તેની તપાસ કરવા માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના Jagpal Singh & Ors. v. State of Punjab & Ors. તા.28 જાન્યુઆરી 2011ના ચુકાદામાં ગામની સામાન્ય/સામુદાયિક જમીનને સામાન્ય ઉપયોગ માટે જાળવવા તથા ગેરકાયદેસર કબજા અને બાંધકામ દૂર કરી જમીન પુનઃસ્થાપિત કરવા અંગે દર્શાવાયેલા સિદ્ધાંતોને પણ ધ્યાનમાં લેવા રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતકર્તા દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે જો તપાસમાં ગૌચર જમીન ઉપરનું દબાણ અથવા બાંધકામ જરૂરી મંજૂરી વિના થયેલું સાબિત થાય, તો લાગુ કાયદા અને નિયમો મુજબ દબાણ દૂર કરી ગૌચર જમીન શક્ય તેટલી મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવામાં આવે.
જો આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ પદાધિકારી, અધિકારી, કર્મચારી અથવા અન્ય વ્યક્તિની બેદરકારી, ફરજમાં કસૂર, સત્તાનો દુરુપયોગ અથવા નિયમવિરુદ્ધ સહકાર બહાર આવે તો જવાબદારી નક્કી કરી કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
સાથે જ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગૌચર જમીન ઉપર વધુ બાંધકામ, પ્લોટિંગ, વેચાણ, હદફેરફાર કે અન્ય પ્રકારનું દબાણ ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા તથા સમગ્ર તપાસ બાદ લેખિત તપાસ અહેવાલ, કારણસભર નિર્ણય અને Action Taken Report (ATR) જાહેર/અરજદારને આપવાની માંગ કરવામાં આવી છે.
હાલ સમગ્ર મામલે સરકારી માપણી અને સત્તાવાર તપાસ બાદ જ ગૌચર જમીન ઉપરનું કથિત દબાણ કાયદેસર છે કે અનધિકૃત છે તે સ્પષ્ટ થશે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત











