તારીખ ૧૮/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે લાંબા સમયથી પ્રતીક્ષિત ડેરોલ એલ.સી. ૩૨ રેલ્વે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આજે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ડેરોલ માર્કેટિંગ યાર્ડ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં વરસતા વરસાદ વચ્ચે પણ સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો ભારે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન વાહનચાલકોને બેથી ત્રણ કિલોમીટર દૂર પીગળી ફાટક પરથી ફરીને જવું પડતું હતું, જેના કારણે ઈંધણ અને સમયનો મોટો વ્યય થતો હતો. આ ઓવરબ્રિજ શરૂ થવાથી સ્થાનિકોને ભારે હાલાકીમાંથી મુક્તિ મળશે.કાલોલથી ડેરોલ ગામ, ઉદલપુર, સણસોલી, પાડું, ડાકોર અને દિલ્હી-મુંબઈ હાઈવે તરફ જતા લાખો વાહનચાલકો માટે આ બ્રિજ ખૂબ જ સુવિધાજનક સાબિત થશે.પોતાના ઉદ્બોધનમાં સાંસદે આ વિસ્તારના બાકી રહેલા અન્ય રોડ-રસ્તાના કામો પણ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ કિરણસિંહ સોલંકી,કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ, કાલોલ તાલુકા ભાજપ મંડળ પ્રમુખ મહિદીપસિહ ગોહિલ, કૃણાલ બારોટ તેમજ સ્થાનિક સરપંચો, વિવિધ મોરચાના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.











