અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ કોલેજમાં એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
મેઘરજ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, મેઘરજ ખાતે IQAC તથા સમાજશાસ્ત્ર વિભાગના ઉપક્રમે “બદલાતા વિશ્વમાં સમાજની સમજ : દાર્શનિક પાયા, ગુણાત્મક સંશોધન અને સમાજશાસ્ત્રીય સંશોધનની નૈતિકતા” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો.

સેમિનારમાં ડુંગરપુરના પ્રો. હોસંગ પંચાલ તથા શામળાજીના ડૉ. ભરત આર. પટેલે સંશોધન, દર્શનશાસ્ત્ર, ફ્રેન્ચ ક્રાંતિ, નવજાગૃતિ અને સંશોધન નૈતિકતા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમમાં કોલેજ ઉપરાંત બી.એડ., આઈ.ટી.આઈ. તથા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ આચાર્ય ડૉ. ડી. એન. દેવરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સંયોજક ડૉ. દિનેશ શર્મા અને IQAC સંયોજક ડૉ. બીપીનભાઈ ઉપાધ્યાય સહિત અધ્યાપકોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો.
ત્યારબાદ પ્રો. હોસંગ પંચાલે “સંશોધન શા માટે?” વિષય પર વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. તેમણે સંશોધનનો અર્થ, તેની જરૂરિયાત અને હેતુઓ તેમજ સામાજિક વાસ્તવિકતાઓને સમજવામાં સંશોધનની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સામાજિક સંશોધનમાં પ્રશ્નની પસંદગી, માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા, માહિતીનું વિશ્લેષણ તથા સંશોધકની જવાબદારી જેવા મુદ્દાઓ પણ સમજાવવામાં આવ્યા હતા. સંશોધનમાં તટસ્થતા, વિશ્વસનીયતા, જવાબદારી અને નૈતિકતાના પાલનના મહત્વ પર પણ ભાર મૂકાયો હતો.
આજના બદલાતા સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને ટેકનોલોજીકલ પરિપ્રેક્ષ્યમાં સમાજને સમજવા માટે વૈજ્ઞાનિક, દાર્શનિક, ગુણાત્મક તેમજ નૈતિક દૃષ્ટિકોણ જરૂરી બન્યો છે. વિદ્યાર્થીઓને સામાજિક સંશોધનના વિવિધ પાસાઓથી પરિચિત કરાવવા તેમજ સંશોધન પ્રત્યે તર્કસંગત અને સંવેદનશીલ અભિગમ વિકસાવવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.









