રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા જેમના ઘરે ભોજન ગ્રહણ કરવામાં આવ્યું હતું તે પરિવારોનું વિશેષ સન્માન — રાજ્યપાલે સામાજિક સમરસતાને સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્રનો આધારસ્તંભ ગણાવ્યો
અમદાવાદ, 18 સપ્ટેમ્બર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે સામાજિક સમરસતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મહોત્સવના દ્વિતીય ચરણ અંતર્ગત ગ્રામ કલ્યાણ કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પરિવારોના ઘરે આત્મીયતાપૂર્વક ભોજન ગ્રહણ કર્યું હતું, તે પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આમંત્રિત પરિવારો અને મહેમાનો સાથે એકસાથે ભોજન પણ ગ્રહણ કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામ કલ્યાણ કાર્યક્રમના છેલ્લા એક વર્ષના અનુભવો રજૂ કરતાં જણાવ્યું હતું કે, તેઓ દર અઠવાડિયે રાજ્યના એક તાલુકાના ગામડાની મુલાકાત લે છે. આ મુલાકાત દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, ગ્રામજનો સાથે સંવાદ તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પરિવારોના ઘરે અતિથિ બની ભોજન કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. રાત્રિના સમયે ગ્રામસભાનું આયોજન કરવામાં આવે છે અને ગામની શાળામાં રાત્રિ રોકાણ કરીને બીજા દિવસે વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો સાથે યોગાભ્યાસ કરવામાં આવે છે.
આ ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવે છે. ખેતરોમાં જઈને જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાની તાલીમ પણ આપવામાં આવે છે. સવારે નજીકના અન્ય ગામમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના પરિવારના ઘરે અલ્પાહાર કરવામાં આવે છે. આ પ્રકારની સતત ગ્રામ મુલાકાતો અને લોકસંપર્કના પરિણામે કૃષિ, પશુપાલન, સ્વચ્છતા, શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગ્રામ્ય વિસ્તારોમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું હોવાનું રાજ્યપાલે જણાવ્યું હતું.
સામાજિક સમરસતાના મહત્વ પર ભાર મૂકતા રાજ્યપાલે મહર્ષિ દયાનંદ સરસ્વતી અને વેદોના સંદર્ભો આપતાં જણાવ્યું હતું કે, પૃથ્વી પર તમામ માનવો એકસમાન છે. સમાજમાં ઊંચ-નીચ અને નાના-મોટાના ભેદભાવ માનવસર્જિત છે. સામાજિક સમરસતા માત્ર વિચાર કે સૂત્ર નથી, પરંતુ સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણનો મુખ્ય આધારસ્તંભ છે.
તેમણે જણાવ્યું હતું કે, જ્યારે સમાજમાં જાતિ, ધર્મ, વર્ગ કે ઊંચ-નીચના ભેદભાવોથી ઉપર ઊઠીને દરેક વ્યક્તિને સમાનતા અને સન્માન મળે ત્યારે સાચી સામાજિક સમરસતા સ્થાપિત થાય છે. આપણા મહાપુરુષો અને ભારતીય સંસ્કૃતિએ પણ પરસ્પર સ્નેહ, સન્માન અને સહયોગ સાથે જીવન જીવવાનો સંદેશ આપ્યો છે. સમાજનો છેવાડાનો માનવી પણ આત્મસન્માન સાથે જીવી શકે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે ત્યારે જ અખંડ, સદભાવપૂર્ણ અને આત્મનિર્ભર સમાજનું નિર્માણ શક્ય બને છે.
રાજ્યપાલે શિક્ષણ અને વ્યસનમુક્તિ પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે વાલીઓને પોતાના બાળકો, ખાસ કરીને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા અપીલ કરી હતી. શિક્ષણ એક વ્યક્તિના જીવનની સાથે સમગ્ર પરિવારના સામાજિક અને આર્થિક જીવનમાં પરિવર્તન લાવી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું. સાથે જ યુવાનો અને સમાજના તમામ વર્ગોને વ્યસનથી દૂર રહેવા તથા સ્વસ્થ અને જવાબદાર જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં દેશના 25 કરોડથી વધુ નાગરિકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે અને ભારત વૈશ્વિક સ્તરે આર્થિક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાજિક સમરસતાને આધ્યાત્મિકતા સાથે સાંકળતાં જણાવ્યું હતું કે, દરેક માનવમાં આત્મા છે અને આત્મા એ જ પરમાત્મા છે. પરમાત્મા દરેકમાં સમાન છે, જ્યારે માનવ સમાજે ઊંચ-નીચ અને જાતિ-પાતિના ભેદભાવ ઊભા કર્યા છે. આ ભેદભાવોને દૂર કરીને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે સામાજિક સમરસતાને આગળ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંચિત, દલિત અને પછાત વર્ગોના હિતોને કેન્દ્રમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓનું નિર્માણ કર્યું છે. આ યોજનાઓનો લાભ સમાજના છેવાડાના લાભાર્થી સુધી પહોંચે અને તેમના જીવનમાં આર્થિક તથા સામાજિક પરિવર્તન આવે તે માટે સેચ્યુરેશન એપ્રોચ અપનાવવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીના જાહેર જીવન અને સેવા કાર્યનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા માટે સમર્પિત કર્યું છે અને 25 વર્ષની જનસેવાની સાધના દ્વારા ગરીબો તથા વંચિતોના કલ્યાણને પ્રાથમિકતા આપી છે. તેમના સેવા સમર્પણને જનજન સુધી પહોંચાડવા દેશમાં સેવા સંકલ્પ અભિયાન યોજાઈ રહ્યું છે. સામાજિક સમરસતા મહોત્સવ આ અભિયાનમાં વધુને વધુ જનભાગીદારી માટે પ્રેરણા આપશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, સર્વ સમાજને સાથે રાખીને આગળ વધવાની પરંપરા ભારતીય સંસ્કૃતિ અને સંતોની પવિત્ર પરંપરાનો અભિન્ન ભાગ રહી છે. આ જ પરંપરાને આગળ ધપાવતા રાજ્યપાલ સામાજિક સમરસતાના સુદૃઢ નિર્માણ માટે સતત કાર્યરત છે.
શંકર ચૌધરીએ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના નિવાસસ્થાને અનુસૂચિત જાતિના પરિવારની એક દીકરીના હસ્તે કુંભ સ્થાપન કરાવીને ગૃહપ્રવેશ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પરિવારોને માત્ર સહભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી, પરંતુ આત્મીયતા અને સન્માનના ભાવ સાથે આમંત્રિત કરવામાં આવ્યા છે.
શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ દ્વારા સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવાનું કાર્ય એક નોંધપાત્ર ઉદાહરણ પૂરું પાડે છે. રાજ્યપાલ ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પરિવારોના આંગણે ભોજન ગ્રહણ કરે છે અને તેમના સુખ-દુઃખમાં સહભાગી બને છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સામાજિક સમરસતાના નિર્માણ માટે વિવિધ પ્રયાસો હાથ ધર્યા હતા. આવાસ યોજનાઓ સહિતની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો આ દિશામાં કરવામાં આવેલા પ્રયાસોના ઉદાહરણો છે.
કાર્યક્રમના અંતે વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 21 આમંત્રિત પરિવારો સાથે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ આત્મીય વાતાવરણમાં સહભોજન કર્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સામાજિક સમાનતા, પરસ્પર સન્માન અને સમાજના વિવિધ વર્ગો વચ્ચે સંવાદ તથા સહભાગિતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલ 2026ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલા સામાજિક સમરસતા મહોત્સવના પ્રથમ ચરણમાં 24 પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યોજાયેલા દ્વિતીય ચરણમાં વધુ 21 પરિવારોને લોકભવન ખાતે આમંત્રિત કરી સન્માન આપવામાં આવ્યું હતું










