તા.18/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


વિદ્યાર્થીઓનું શિક્ષણ અને દર્દીઓની સારવાર અટવાઈ: તંત્ર સામે ગ્રામજનોમાં ભારે રોષ, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદ બાદ ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. રેલવે અંડરબ્રિજના સમારકામ માટે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ પર નદી અને સીમના ઘૂંટણસમા પાણી ફરી વળતાં સમગ્ર ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. રસ્તો ધોવાઈ જતાં ગામલોકોની અવરજવર પર બ્રેક લાગી ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જેગડવા ગામ તરફ જવા માટે બનાવવામાં આવેલા રેલવે અંડરબ્રિજને હજુ પાંચ વર્ષ પણ પૂર્ણ થયા નથી. ગત ચોમાસાની સિઝનમાં અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે તેમાં મોટી તિરાડો પડી ગઈ હતી. પરિણામે તેના તાત્કાલિક રીપેરિંગ માટે વાહનવ્યવહાર ડાયવર્ટ કરીને કાચો રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય પ્લાનિંગ વિના બનાવાયેલો આ ડાયવર્ઝન માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતાં રેલવે અને સ્થાનિક તંત્રની હલકી ગુણવત્તાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ગામનો સંપર્ક તૂટી જતાં સૌથી વધુ માઠું પરિણામ વિદ્યાર્થીઓ અને બીમાર વ્યક્તિઓએ ભોગવવું પડી રહ્યું છે જેમ કે ગામમાંથી બહારગામ શાળા-કોલેજ જતાં વિદ્યાર્થીઓ પાણી ભરાવાને કારણે ઘરે જ રોકાઈ જવાની ફરજ પડી છે. ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓ કે ગર્ભવતી મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવી હવે અત્યંત મુશ્કેલ અને જોખમી બની ગયું છે. ગ્રામજનોની તાત્કાલિક ઉકેલ માટે માંગ, ગામલોકોમાં તંત્રની બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ગ્રામજનોએ માંગ કરી છે કે, ડાયવર્ઝન માર્ગ પરથી તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને રસ્તાનું પૂરતું મજબૂતીકરણ કરીને વાહનવ્યવહાર પૂર્વવત શરૂ કરાવવામાં આવે. જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ વિરોધ દર્શાવવાની ચીમકી આપી છે.









