વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા ભાજપનાં સંગઠન પ્રભારી તરીકે મે-2023થી સપ્ટેમ્બર-2026 દરમિયાન જવાબદારી નિભાવ્યા બાદ રાજેશ દેસાઈએ ડાંગના કાર્યકરો, આગેવાનો તથા શુભેચ્છકોને લાગણીસભર સંદેશ પાઠવી આ સંગઠન યાત્રાને જીવનની યાદગાર સફર ગણાવી છે.સુરતનાં મૂળ વતની રાજેશ દેસાઈએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે, ડાંગની જંગલ-પહાડી ધરતી પર સતત પ્રવાસ, સંપર્ક અને બેઠક દ્વારા સંગઠનને મજબૂત બનાવવાની તક મળી હતી. કાર્યકર્તાઓના મન સુધી પહોંચવાની, ગામેગામ કાર્યકર્તાઓની સાથે જોડાવાની તેમજ પક્ષની વિચારધારા અને સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની કામગીરી દરમિયાન સૌનો સાથ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતુ તેમણે જણાવ્યું કે, મે-2023થી સપ્ટેમ્બર-2026 સુધીની સંગઠન પ્રભારી તરીકેની જવાબદારી તેમના જાહેર જીવનની અત્યંત આત્મીય અને યાદગાર સફર બની રહી છે. આ સમયગાળા દરમિયાન ડાંગ ભાજપના સંગઠનને વધુ વિસ્તૃત કરવામાં તથા કાર્યકર્તાઓ સાથે સતત સંપર્કમાં રહેવાની તક મળી તે તેમના માટે ગૌરવની બાબત હોવાનું તેમણે જણાવ્યું હતુ.ડાંગમાં ભાજપના આદર્શોના કેન્દ્ર સમાન કાર્યાલયના નિર્માણમાં પ્રદેશ તરફથી યથાશક્તિ પૂરક બનવાની તક મળી તે પણ પોતાના માટે વિશેષ સંતોષ અને ગૌરવની બાબત હોવાનું રાજેશ દેસાઈએ પોતાના સંદેશમાં જણાવ્યું છે.સંગઠન યાત્રા દરમિયાન ડાંગના પૂર્વ પ્રમુખો, વરિષ્ઠ આગેવાનો, સમર્પિત કાર્યકર્તાઓ, વિવિધ સમાજ અને ક્ષેત્રના આગેવાનો, સંતો-મહંતો, જનપ્રતિનિધિઓ, ભૂતપૂર્વ જિલ્લા સુનિયોજિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, પક્ષના વિચારધારા સાથે જોડાયેલા ગ્રામજનો, પોલીસ પટેલો, સરપંચો તેમજ પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ આપેલા સહકાર બદલ તેમણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.રાજેશ દેસાઈએ જણાવ્યું છે કે, ડાંગના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મળેલો પ્રેમ અને માન-સન્માન તેમના માટે જીવનભરની મૂડી સમાન છે.સંગઠન યાત્રા દરમિયાન જાણતાં-અજાણતાં તેમના કોઈ શબ્દ, નિર્ણય કે વર્તનથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો તેમણે અંતઃકરણપૂર્વક ક્ષમાયાચના પણ કરી છે.તેમણે વધુમાં જણાવ્યું કે, “વિદાય નહીં.. માત્ર જવાબદારીનું પરિવર્તન છે.” ભલે જવાબદારી બદલાઈ હોય, પરંતુ ડાંગ પ્રત્યેનો પ્રેમ અને ડાંગના કાર્યકર્તાઓ સાથેનો આત્મીય સંબંધ હંમેશા જીવંત રહેશે. આવનારા સમયમાં પણ સંગઠન તથા સમાજસેવાની યાત્રામાં સહભાગી બનીને આગળ વધતા રહેવાની ભાવના તેમણે વ્યક્ત કરી છે.અંતમાં રાજેશ દેસાઈએ ડાંગવાસીઓ અને ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યુ કે, ડાંગે તેમને ઘણુ આપ્યું છે અને ડાંગ તથા ડાંગના કાર્યકર્તાઓ સાથેનો આ આત્મીય સંબંધ હંમેશા તેમના હૃદયમાં જીવંત રહેશે.










