વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 

ગુજરાતની સ્વનિર્ભર શાળાઓ સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, વાવ-થરાદ જિલ્લા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. જસરા ખાતે આવેલી સંસ્થાના કાર્યાલયથી કરવામાં આવેલી આ રજૂઆતમાં રાજ્યની 17 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓને લગતા પ્રશ્નોનો ઉલ્લેખ કરી સરકાર દ્વારા યોગ્ય અને કાયમી ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.
રજૂઆત મુજબ રાજ્યમાં 17,000થી વધુ સ્વનિર્ભર શાળાઓમાં 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને 7 લાખથી વધુ શિક્ષકો તથા કર્મચારીઓ સેવાઓ આપી રહ્યા છે. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં સ્વનિર્ભર શાળાઓનો મોટો હિસ્સો હોવા છતાં સંચાલકોના વિવિધ પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો છતાં યોગ્ય નિરાકરણ ન આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સંચાલક મંડળની પાંચ મુખ્ય માંગણીઓ
1. FRCની પ્રક્રિયા સરળ બનાવવાની માંગ
ત્રણ વર્ષના Audit Reportના આધારે શાળાની ફીમાં 10 ટકા કે તેથી ઓછો વધારો હોય તો Proposal અને Affidavit જેવી પ્રક્રિયામાંથી મુક્તિ આપી સીધી મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે. મંડળના જણાવ્યા મુજબ આવું થાય તો રાજ્યની આશરે 90 ટકા શાળાઓને FRCની પ્રક્રિયામાંથી રાહત મળી શકે અને FRC કમિટીના કામનું ભારણ પણ ઘટી શકે.
2. RTE હેઠળની ફી સમયસર ચૂકવવાની માંગ
RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે વર્ષ 2017થી નક્કી થયેલી ₹10,000ની રકમ અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. કોર્ટના માર્ગદર્શન અને સરકારની કાર્યવાહી છતાં આ અંગે જરૂરી અમલ ન થયો હોવાનો દાવો કરી સ્વનિર્ભર શાળાઓને મળવાપાત્ર RTE ફીની ચુકવણી અંગે તાત્કાલિક નિર્ણય કરવાની માંગ કરાઈ છે.
3. CET અને મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનામાં સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ
ધોરણ 5થી 8 સુધી સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને CET તથા મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનાનો લાભ મળતો હોવાનો ઉલ્લેખ કરી, સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરતા પાત્ર વિદ્યાર્થીઓને પણ સમાન તક આપવા માંગ કરવામાં આવી છે. ખાસ કરીને SC, ST, OBC અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓને યોજનામાં સમાવવાની રજૂઆત કરવામાં આવી છે.
4. શાળાઓની સ્વાયત્તતામાં બિનજરૂરી હસ્તક્ષેપ દૂર કરવાની માંગ
સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની નિમણૂક તથા અન્ય વહીવટી બાબતોમાં સરકાર તરફથી થતા હસ્તક્ષેપ અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. સંચાલકો પોતે કર્મચારીઓને પગાર સહિતની જવાબદારી સંભાળતા હોવાથી શાળાઓની સ્વાયત્તતાને જાળવી રાખવા માંગ કરાઈ છે.
5. રોજબરોજના સરકારી પરિપત્રોના ભારણમાંથી મુક્તિ
સરકારી તથા શાળાકીય માહિતી વારંવાર અલગ-અલગ રીતે માંગવામાં આવતી હોવાના મુદ્દે સંચાલક મંડળે વાંધો વ્યક્ત કર્યો છે. સરકારી પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી વારંવાર માગવાની જરૂર ન પડે અને સ્વનિર્ભર શાળાઓ માટે અલગ તથા સરળ પરિપત્ર વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
“વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી”
સંચાલક મંડળે રજૂઆતમાં જણાવ્યું છે કે ઉપરોક્ત પ્રશ્નો અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પ્રશ્નોનો યોગ્ય ઉકેલ ન આવે તો આગામી સમયમાં સ્વનિર્ભર શાળાઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ફરજ પડી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ આ પાંચેય મુદ્દાઓ અંગે સરકાર સુધી રજૂઆત પહોંચાડી યોગ્ય નિર્ણય કરાવવા માંગ કરી છે.










