23 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ડીસાથી અંબાજી ૧૦૦ કિ.મી.ની ‘પ્લાસ્ટિક મુક્ત સાઇકલ યાત્રા’ યોજાઈ.મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ સાઇકલ ચલાવી આપ્યો ‘શ્રદ્ધાથી સ્વચ્છતા’નો પ્રેરક સંદેશ: ૧૨૦થી વધુ માઈભક્તોની અનોખી સાઇકલ-પદયાત્રા ગ્રીન એન્ડ ક્લીન ગુજરાતના સંકલ્પ સાથે મંત્રીશ્રી અને માઈભક્તોએ સેવા કેમ્પોમાં બાયોડિગ્રેડેબલ થેલીઓનું વિતરણ કર્યું
રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ડીસાથી અંબાજી સુધીની આશરે ૧૦૦ કિલોમીટર લાંબી ‘પ્લાસ્ટિક મુક્ત સાઇકલ યાત્રા’ યોજાઈ હતી. મંત્રીશ્રીએ અંબાજી ખાતે પહોંચીને જગતજનની માઁ જગદંબાના દર્શન કર્યા હતા તથા ચાચર ચોક ખાતે ગરબામાં સહભાગી બન્યા હતા. ભાદરવી પૂનમના પાવન અવસરે મા અંબાના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાની પ્રેરણા આપવા આ યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં મંત્રીશ્રીએ પોતે ૧૦૦ કિ.મી. સાઇકલ ચલાવીને સમાજમાં પ્રદૂષણમુક્ત ‘ગ્રીન મોબિલિટી’ અને ફિટનેસ અંગે અનોખો ઉત્સાહ પૂર્યો હતો.આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, શ્રદ્ધાથી સ્વચ્છતાના સંદેશ સાથે ડીસાના સૌ સાયકલિસ્ટ મિત્રો અને માઈભક્તો મા અંબાના ધામમાં આરાધના કરવા અને આશીર્વાદ મેળવવા નીકળ્યા હતા. આ યાત્રાનો મુખ્ય હેતુ ભક્તિ સાથે પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી નિભાવવાનો છે. આ પહેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વચ્છ ભારત’ અને ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના ‘ગ્રીન એન્ડ ક્લીન ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક સાર્થક પ્રયાસ સાબિત થઈ છે.
યાત્રા દરમિયાન પ્લાસ્ટિકમુક્તિના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે ડીસાથી અંબાજી માર્ગ પર કાર્યરત વિવિધ સેવા અને ભક્તિ કેમ્પોમાં બાયોડિગ્રેડેબલ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પ સંચાલકો તેમજ દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓને સિંગલ-યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા અને પર્યાવરણમિત્ર વિકલ્પો અપનાવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા, જેથી સમગ્ર યાત્રાધામ અને તેનો પવિત્ર માર્ગ સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત રહે.આ અનોખા જનઅભિયાનમાં મંત્રીશ્રીની સાથે આશરે ૬૦ સાઇકલ યાત્રિકો અને ૬૦ પદયાત્રિકો મળીને કુલ ૧૨૦થી વધુ માઈભક્તો જોડાયા હતા. આ પર્યાવરણલક્ષી અને સ્વાસ્થ્યવર્ધક પહેલમાં ‘આઈએમએ (IMA) ગ્રુપ, ડીસા’નો પણ સક્રિય સહયોગ સાંપડ્યો હતો. શ્રદ્ધા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ સુરક્ષાના અનોખા સમન્વય સમાન આ યાત્રાએ સમાજમાં “શ્રદ્ધા સાથે સ્વચ્છતા, યાત્રા સાથે જવાબદારી અને દરેક પગલે પર્યાવરણની કાળજી”નો સંદેશ સફળતાપૂર્વક પહોંચાડ્યો હતો.















