તા.23/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સેફ્ટી ગ્રીલ અને ઇમરજન્સી એક્ઝિટ વિના દોડતી બસો સામે લાલઆંખ; શાળા સંચાલકોમાં દોડધામ, સુરેન્દ્રનગર વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારોમાં આરટીઓ તંત્ર દ્વારા સ્કૂલ વાહનોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન કુલ 107 સ્કૂલ બસોનું કડક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી ખામીઓ સામે આવતાં 12 બસોના ફિટનેસ સર્ટિફિકેટ રદ કરી દેવામાં આવ્યા છે, જ્યારે 10 સ્કૂલ બસોને દંડકીય ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. RTOની આ અચાનક કાર્યવાહીથી શાળા સંચાલકો અને બસ માલિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. RTO ટીમ દ્વારા કરાયેલી તપાસમાં 12 જેટલી બસોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ખુલ્લેઆમ ચેડાં થતાં હોવાનું બહાર આવ્યું હતું. આ બસોમાં સેફ્ટી ગ્રીલ ન હોવી, ઇમરજન્સી એક્ઝિટ ડોરનો અભાવ હોવો કે યોગ્ય સ્થિતિમાં ન હોવો જેવી ગંભીર ટેકનિકલ ખામીઓ મળી આવી હતી. બાળકોના જીવનું જોખમ ટાળવા માટે તંત્રે તાત્કાલિક ધોરણે આવી તમામ 12 બસોના ફિટનેસ સર્ટિફિકેટ રદ કરવાનો આકરો નિર્ણય લીધો હતો. સુરેન્દ્રનગર RTO અધિકારી એમ.ડી. પાનશેરીયા દ્વારા સ્થિતિની સમીક્ષા બાદ શાળા સંચાલક મંડળના પ્રમુખ, બસ માલિકો તેમજ ડ્રાઇવરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અધિકારીએ તાકીદ કરતાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો સ્કૂલ બસ નિયમ મુજબ નહીં હોય અને પકડાશે તો બસ ડિટેઇન કરાશે. આ સાથે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે શાળા સંચાલકોને અગાઉથી જ વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવાની સૂચના આપી હતી. બસોના ફિટનેસ રદ થતાં અને કાર્યવાહીના પગલે શાળા સંચાલકોએ અવેજી બસોનો ઉપયોગ શરૂ કર્યો છે. મોટાભાગની શાળાઓ પાસે 2 થી 5 બસો વધારાની કે અનામત હોય છે. સ્કૂલ બસોના રૂટ 8 થી 10 કિલોમીટર જેવા ટૂંકા હોવાથી, સંચાલકો દ્વારા બસનો સમય થોડો વહેલો-મોડો કરીને અથવા રૂટના ફેરા વધારીને વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડવામાં આવી રહ્યા છે. RTO અને સંચાલકો વચ્ચે થયેલી ચર્ચા મુજબ, 40ની ક્ષમતા વાળી અન્ય બસોમાં 35 કે 36 બાળકોને બેસાડીને અન્ય બસોમાં મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. RTO તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે આ ચેકિંગ ઝુંબેશ માત્ર એક-બે દિવસ પૂરતી સીમિત નહીં રહે. આગામી દિવસોમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વિસ્તારોમાં સ્કૂલ વાહનોનું ચેકિંગ યથાવત રાખવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા બસ સંચાલકો સામે વધુ કડક પગલાં લેવાની ચીમકી પણ આપવામાં આવી છે









