તા.23/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ વઢવાણ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈને નાગરિકોને અપાતી આરોગ્ય સેવાઓની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ, દર્દીઓની સારવારની સ્થિતિ અને દવાઓના પુરવઠા અંગે તબીબો અને આરોગ્ય કર્મચારીઓ પાસેથી તાગ મેળવ્યો હતો. ધારાસભ્યએ આરોગ્ય કેન્દ્રના ઓપીડી વિભાગ, દર્દીઓની તપાસ અને નિદાન પ્રક્રિયા, લેબોરેટરી તપાસની સુવિધા તેમજ જરૂરી દવાઓની ઉપલબ્ધતા અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. દૈનિક ધોરણે હોસ્પિટલે આવતા દર્દીઓને કોઈ અગવડતા ન પડે અને તેમને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે દિશામાં તબીબી સ્ટાફ સાથે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુલાકાત દરમિયાન ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ સારવાર અર્થે આવેલા દર્દીઓ અને તેમના પરિજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે દર્દીઓ પાસેથી આરોગ્ય કેન્દ્રમાં મળતી સેવાઓ, સમયસર દવાઓ અને નિદાન થાય છે કે કેમ તથા સારવાર દરમિયાન કોઈ મુશ્કેલી પડે છે કે નહીં તે અંગેના પ્રતિસાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, “સરકારી આરોગ્ય કેન્દ્રો એ સામાન્ય અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આરોગ્ય સેવાનું મુખ્ય અને મહત્વનું માધ્યમ છે. અહીં આવતા દરેક નાગરિકને સમયસર, વિના મૂલ્યે અને યોગ્ય સારવાર મળે તે આપણી પ્રાથમિકતા છે. રાજ્ય સરકાર દ્વારા અપાતી આરોગ્યલક્ષી યોજનાઓ અને સુવિધાઓનો મહત્તમ લાભ લોકોને મળે તે માટે સતત સમીક્ષા અને સુચારૂ સંકલન ચાલુ રાખવામાં આવશે.”

આ મુલાકાત વેળાએ સ્થાનિક અગ્રણીઓ દેવાંગભાઈ રાવલ, રાકેશભાઈ ખાંદલા, જયભાઈ શાહ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડૉ. બી.જી. ગોહિલ, ડૉ. મકવાણા સહિતના તબીબો, આરોગ્ય કર્મચારીઓ અને સંબંધિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.










