MORBI:ખેડૂત આંદોલન મુદ્દે અલ્પાબેન પટેલનો આક્રોશ: “અમે કોઈના ગુલામ નથી, હક માટે જેલમાં જતાં પણ નહીં ડરીએ”

મોરબીના જેતપર આંદોલન વચ્ચે કાલાવડના અલ્પાબેન પટેલ ગર્જ્યા; સરપંચોને કરી ગામની જમીન ન વેચવા અપીલ
કાલાવડ / જેતપુર:ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના મહિલા ખેડૂત આગેવાન અલ્પાબેન પટેલે મીડિયા સમક્ષ સરકારની નીતિઓ અને ખાનગી કંપનીઓની દાદાગીરી સામે ઉગ્ર રોષ ઠાલવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે ખેડૂતો શાંત છે ત્યાં સુધી જ સરકાર તેમને કમજોર ન સમજે, હવે પોતાના હક માટે ધરતીપુત્રો કોઈપણ ભોગે લડી લેવાના મૂડમાં છે.

ખેડૂતોની મૂળ માંગણીઓ અને સરકાર સામે સવાલો
અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, ગત ૧૭ માર્ચના રોજ તેઓ ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને વિધાનસભા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ભારત એક કૃષિપ્રધાન દેશ હોવા છતાં ખેડૂતોને રાસાયણિક ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના આસમાને પહોંચેલા ભાવો સહન કરવા પડે છે. તેમણે માંગ કરી હતી કે ખેતીના ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ.
પરવાનગી વગર ખેતરોમાં થાંભલા નાખવાનો વિરોધ
મહિલા ખેડૂતે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ખાનગી કંપનીઓ ખેડૂતોની કાયદેસરની સાત-બાર (૭/૧૨) વાળી જમીનોમાં કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી લીધા વગર વીજ થાંભલા ખોદી રહી છે. ખેડૂતોની જમીનો પર ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે સરકારી તંત્ર દ્વારા દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે.
સરપંચોને બે હાથ જોડી નમ્ર અપીલ
અલ્પાબેન પટેલે રાજ્યભરના તમામ ગામોના સરપંચોને હાથ જોડીને અપીલ કરી હતી કે ગામની ગૌચર, ખરાબા કે ગામતળની જમીનો કોઈ પણ ભોગે ખાનગી કંપનીઓને સોંપવામાં ન આવે. ગામના લોકોએ વિશ્વાસ મૂકીને તેમને ચૂંટ્યા છે, તેથી પંચાયતની અને ગામની સામૂહિક સંપત્તિનું રક્ષણ કરવું એ સરપંચોની નૈતિક જવાબદારી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ગામમાં પ્રવેશ નહીં મળે તો કંપનીઓ ખેડૂતોના ખેતરો સુધી પહોંચી શકશે નહીં.
આંદોલનકારીઓ સામે પોલીસ ફરિયાદ મુદ્દે રોષ
જેતપુર ખાતે ચાલી રહેલા આંદોલનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, આ લડત માત્ર એક વિસ્તાર પૂરતી સીમિત નથી રહી પરંતુ સમગ્ર રાજ્યમાં અને દેશભરમાં તેની ગૂંજ પહોંચી છે. શાંતિપૂર્ણ રીતે પોતાનો હક માંગતા ૨૦થી ૨૧ જેટલા ખેડૂતો અને આંદોલનકારીઓ સામે તંત્ર દ્વારા ગુના દાખલ કરવામાં આવ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે ખેડૂતો પોતાના અધિકાર માંગે ત્યારે કલમ ૧૪૪ લગાવી દેવામાં આવે છે, જ્યારે ભ્રષ્ટાચારીઓ અને ગુનેગારો સામે કડક પગલાં લેવામાં તંત્ર ઢીલું પડે છે.

“આવેદન-નિવેદનનો સમય ગયો, હવે સીધી લડત”
પોતાના વક્તવ્યના અંતમાં તેમણે ખેડૂત સમાજને એક થઈને લડત આપવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, “અમે ખેડૂત છીએ, જો ધરતીમાંથી ધાન પકવી જાણતા હોઈએ તો પોતાના હક માટે જેલમાં જતાં પણ અમને ડર નથી લાગતો. હવે માત્ર આવેદન પત્રો આપવાનો સમય વીતી ગયો છે, ખેડૂતોએ મક્કમ થઈને પોતાના અધિકારનું રક્ષણ કરવું પડશે.”












