MORBI:મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે ફરી વિદ્યાર્થીઓનો ઉગ્ર આક્રોશ: એસટી બસ સેવા મુદ્દે કર્યો ચક્કાજામ!

ગામડાંઓમાં અનિયમિત બસ સેવાથી વિદ્યાર્થીઓ ત્રાહિમામ; લેખિત ખાતરી બાદ મામલો થાળે પડ્યો

મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે એસટી બસની અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. બંગાવડી, હીરાપર, માણેકવાડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી સમયસર અને નિયમિત એસટી બસ સેવા ન મળતી હોવાના કારણે શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાઈ રહ્યો હતો.
વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આખરે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આજે મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે બસો અટકાવીને ચક્કાજામ કરી દીધો હતો. વિદ્યાર્થીઓના આ વિરોધ પ્રદર્શનને પગલે બસ સ્ટેન્ડ પરિસરમાં દોડધામ મચી જવા પામી હતી અને અન્ય મુસાફરો પણ અટવાયા હતા.

ઘટનાની જાણ થતાં જ એસટી ડેપોના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓને શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આખરે ડેપો તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને નિયમિત બસ સેવા શરૂ કરવા અંગે લેખિતમાં બાંહેધરી આપવામાં આવતાં મામલો થાળે પડ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.












