“જ્યારે દાતાશ્રી આવ્યા ‘બા’ના ઘરે… ત્યારે ગણપતિની આરતી સાથે વહેંચાયો પરિવારનો પ્રેમ”

બાલાજી વેફર્સ પરિવારએ નિરાધાર માતાઓ-બહેનોને પોતાના હાથે ભોજન કરાવ્યું, વાતો કરી, સમય આપ્યો અને જરૂરિયાતની વસ્તુઓ આપી

રાજકોટ : ગણેશ ઉત્સવ એટલે માત્ર ભગવાનની આરતી નહીં, પરંતુ સેવા, કરુણા અને માનવતાની આરતી પણ છે. રાજકોટના માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ સંચાલિત “બા નું ઘર” મહિલા વૃદ્ધાશ્રમ ખાતે “કરુણાના રાજા” ગણપતિજીની ભવ્ય આરતીના પ્રસંગે આ માનવતાનો સુંદર અને લાગણીસભર નજારો જોવા મળ્યો હતો.

આ પ્રસંગે ગુજરાતની સુપ્રસિદ્ધ બાલાજી વેફર્સ પરિવારના શ્રી ચંદુભાઈ વિરાણી, શ્રીમતી દમયંતીબેન વિરાણી, શ્રીમતી સવિતાબેન વિરાણી સહિત પરિવારજનો “બા નું ઘર”ની નિરાધાર માતાઓ-બહેનો વચ્ચે પરિવારની લાગણી લઈને પહોંચ્યા હતા.

દાતાશ્રીઓએ માત્ર દાન આપીને પરત જવાનું પસંદ કર્યું નહીં, પરંતુ પોતાના હાથે માતાઓ-બહેનોને ભોજન પીરસ્યું, તેમની સાથે બેસીને ભોજન કરાવ્યું, પ્રેમથી વાતો કરી અને તેમની સાથે સમય વિતાવ્યો. બહેનોને જે-જે વસ્તુની જરૂરિયાત હતી તે પણ પૂરી કરવામાં આવી હતી. આ પ્રસંગે “બા નું ઘર”ની બહેનોના ચહેરા પર દેખાતો આનંદ અને મળેલા આશીર્વાદ સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી રહ્યા હતા.

આ પ્રસંગે “બા નું ઘર”ના પ્રમુખ સેવક શ્રી મુકેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, “ચંદુભાઈ વિરાણી અને બાલાજી વેફર્સ પરિવાર દ્વારા ‘બા નું ઘર’ના સેવાકાર્યોમાં અત્યાર સુધીમાં રૂ. 5 કરોડથી વધુનું દાન આપવામાં આવ્યું છે તેમજ અન્ય સહયોગીઓ પાસેથી પણ સંસ્થાને સહયોગ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી છે. આ સહયોગ માત્ર દાન નથી, પરંતુ નિરાધાર માતાઓ-બહેનો માટે પરિવારના પ્રેમ અને લાગણીનો આધાર છે.”

 “બા નું ઘર”ના પ્રમુખ સેવકો શ્રી મુકેશભાઈ મેરજા, વિભાબેન મેરજા અને ગીતાબેન પટેલ તથા ટ્રસ્ટીશ્રીઓ શ્રી ભુપતભાઈ ભણાવડિયા, શ્રી મનીષભાઈ વડારિયા અને શ્રી હસુભાઈ વડગાસિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટીઓ દ્વારા બાલાજી વેફર્સ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો