તા.28/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


ASP વેદિકા બહેનની મધ્યસ્થીથી ચાલી રહેલો નાણાકીય વિવાદ ઉકેલાયો; અરજદારે પોલીસનો આભાર માન્યો, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસે એક મહત્વપૂર્ણ અને પ્રસંસનીય કામગીરી કરી બતાવી છે. મકાનના સોદાને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રૂ.૩૧ લાખના વિવાદમાં પોલીસે યોગ્ય અને તટસ્થ મધ્યસ્થી કરીને બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું છે. ઘટનાની મળતી વિગતો અનુસાર, વઢવાણની સુડવેલ સોસાયટી પાસે રહેતા રહીમશા મહમશા ફકીરે અંદાજે છ મહિના પહેલાં રૂ.૩.૧૦ કરોડની મોટી રકમમાં નવા મકાનનો સોદો નક્કી કર્યો હતો. આ સોદાના ભાગરૂપે તેમણે સામાવાળા પક્ષને બાના પેટે રૂ.૩૫ લાખ રોકડા ચૂકવ્યા હતા. જોકે, કોઈ કારણોસર આ મકાનનો સોદો આગળ વધી શક્યો ન હતો અને રદ કરવાનો વારો આવ્યો હતો. સોદો રદ થયા બાદ સામાવાળા પક્ષ દ્વારા શરૂઆતમાં રૂ.૪ લાખ પરત આપવામાં આવ્યા હતા, પરંતુ બાકી નીકળતી રૂ.૩૧ લાખની માતબર રકમ પરત આપવા બાબતે આનાકાની કે વિલંબ થતાં આખરે રહીમશા ફકીરે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો સંપર્ક સાધી ન્યાયની ગુહાર લગાવી હતી. અરજદારની રજૂઆતને ગંભીરતાથી લઈને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના સુચારુ માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બહેને પોતે આ મામલાની કમાન સંભાળી હતી. તેમણે બંને પક્ષોને પોલીસ કચેરી ખાતે રૂબરૂ બોલાવીને સમગ્ર મામલે કાયદાકીય અને મધ્યસ્થીપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરી હતી. એએસપી વેદિકા બહેનની હકારાત્મક અને તટસ્થ મધ્યસ્થીના પરિણામે સામાવાળા પક્ષે પોતાની ભૂલ સ્વીકારી બાકી નીકળતી રૂ.૩૧ લાખની પૂરેપૂરી રકમનો ચેક અરજદાર રહીમશા ફકીરને સુપ્રત કર્યો હતો. આ રીતે લાંબા સમયથી ચાલી રહેલો નાણાકીય વિવાદ કોઈ કાનૂની ગૂંચવણ વગર પૂર્ણ થયો હતો અને બંને પક્ષો વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં સુખદ સમાધાન સંભવ બન્યું હતું. પોલીસની આ સરાહનીય અને નિષ્પક્ષ કામગીરીથી અરજદાર રહીમશા ફકીરે પોલીસ તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાથી પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.









