તા.28/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


2 બોલેરો ગાડીઓમાંથી પશુઓ ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળ્યાં; અમદાવાદ અને ધોળકાના 4 આરોપીઓની અટકાયત, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક પોલીસની સતર્કતાથી પશુ તસ્કરીનું એક મોટું રેકેટ ખુલ્લું પડ્યું છે. કતલખાને લઈ જવાઈ રહેલાં ૧૨૬ જેટલાં મૂંગા જીવોને અત્યંત દયાજનક અને ક્રૂર હાલતમાંથી મુક્ત કરાવી નવું જીવનદાન આપવામાં આવ્યું છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી બે વાહનો જપ્ત કર્યા છે. મળતી વિગતો મુજબ, ધ્રાંગધ્રા- અમદાવાદ હાઈવે પરથી બે બોલેરો ગાડીઓમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી જીવદયા પ્રેમીઓને મળી હતી. આ બાતમીના આધારે સ્થાનિક પોલીસે તાત્કાલિક હરકતમાં આવી વડવાળા હોટલ નજીક નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી બે શંકાસ્પદ બોલેરો ગાડીઓને ઘેરીને અટકાવવામાં આવી હતી. પોલીસે વાહનોની તલાશી લેતાં એક બોલેરોમાંથી ૬૦ અને બીજી ગાડીમાંથી ૬૬ મળીને કુલ ૧૨૬ ઘેટાં અત્યંત ગંભીર અને દયાજનક હાલતમાં ખીચોખીચ ભરેલા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન પશુઓ માટે પીવાના પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા નહોતી. એટલું જ નહીં, મૂંગા પશુઓને ટૂંકા દોરડા વડે અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું. વાહનચાલકો પાસે આ હેરફેર અંગેના કોઈ જ કાયદેસરના આધાર- પુરાવા કે જરૂરી પરમિટ નહોતી. પોલીસે પશુ પ્રત્યેની ક્રૂરતા પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધીને ચાર શખ્સોની ધરપકડ કરી છે જેમાં આરોપી પયાજભાઈ કુરસીદહુસેન કુરેશી ડ્રાઈવર, રહે. અમદાવાદ, ફૈજાનભાઈ કુરસીદહુસેન કુરેશી રહે. અમદાવાદ, મોઈનભાઈ ઉસ્માન પઠાણ ડ્રાઈવર, રહે. અમદાવાદ, ઉવેશભાઈ સાબીરભાઈ વોરા રહે. ધોળકા વાળાઓએ રેસ્કયૂ કરવામાં આવેલા તમામ ૧૨૬ ઘેટાંને તુરંત મુક્ત કરાવી સુરક્ષિત આશ્રયસ્થાને અને પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસે ગુનામાં વપરાયેલી બંને બોલેરો ગાડીઓ જપ્ત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.










