- ખાનપુરના બામરોડા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘આંગણ મિલન સેવા કાર્યક્રમ’ યોજાયો
*
જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે બાળકો સાથે સંવાદ સાધી માર્ગદર્શન આપ્યું
*

પોષણ કીટ, THR વિતરણ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનાર કાર્યકરોનું સન્માન કરાયું
*
અમીન કોઠારી મહીસાગર::

રાજ્ય સરકારના સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બામરોડા આંગણવાડી કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંગણ મિલન સેવા કાર્યક્રમ’ ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ આંગણવાડીના ભૂલકાંઓ સાથે અત્યંત સ્નેહપૂર્ણ સંવાદ સાધીને તેમને રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા માટે સરળ શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સુપોષિત સમાજના નિર્માણના સંકલ્પ સાથે કલેક્ટરશ્રીના હસ્તે બાળકોને પોષણ કીટ તેમજ સગર્ભા માતાઓને ‘ટેક હોમ રાશન’ (THR)નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સ્વસ્થ પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે ‘પોષણ ચેમ્પિયન’ તરીકે પસંદગી પામેલા તેજસ્વી બાળકોને ચિત્રપોથી અને કલર કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા, જ્યારે ઉપસ્થિત તમામ બાળકોને પૌષ્ટિક સુખડી અને તાજાં ફળોનું વિતરણ કરાયું હતું.
ક્ષેત્રિય સ્તરે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર આંગણવાડી કાર્યકર, તેડાગર (હેલ્પર) તેમજ આશા વર્કર બહેનોની કામગીરીની સરાહના કરી તેમને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સમાપન પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીનો પોષણ સંદેશ ઉપસ્થિત સર્વે લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને તંદુરસ્ત જીવનશૈલી માટે દૈનિક આહારમાં પોષણયુક્ત ઘટકોના મહત્ત્વ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.










