મહારાણી પ્રીતિદેવી સ્કૂલ અને લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલના બાળકોએ કચ્છ કલેક્ટર કચેરીની શૈક્ષણિક મુલાકાત લીધી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

સ્કૂલના વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત લઈ વહીવટી પ્રક્રિયાઓ અંગે રસપ્રદ અને વ્યવહારુ જાણકારી મેળવી.

કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ બાળકો સાથે આત્મીય સંવાદ સાધી સજાગ અને જવાબદાર નાગરિક બનવા પ્રોત્સાહિત કર્યા.

ભુજ,તા-૦૪ ઓક્ટોબર : ભુજ સ્થિત મહારાણી પ્રીતિદેવી સ્કૂલ અને લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં જિલ્લા સેવા સદન ભુજ ખાતે એક વિશેષ શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રની કામગીરીથી બાળકો પરિચિત થાય તે હેતુથી આયોજિત આ મુલાકાતમાં શાળાના ફાઉન્ડર પ્રિન્સિપાલ શ્રી રાણી સાહેબ આરતી કુમારી જાડેજા તેમજ શિક્ષિકા વિશ્વેશ્વરી કુમારી જાડેજા અને સંગીતા ગોરના માર્ગદર્શન હેઠળ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ મુલાકાત દરમિયાન બાળકોએ કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા સાથે મુલાકાત કરી હતી. કલેક્ટરએ અત્યંત સહજતાથી બાળકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો અને વહીવટી તંત્રની ભૂમિકા અંગે સમજ આપી તેમને દેશના સજાગ અને જવાબદાર નાગરિક બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન ‘સચેત નાગરિક પર્યાવરણ રક્ષક’ મિશન અંતર્ગત બાળકોએ નવરાત્રી દરમિયાન માતાના મઢ માર્ગ પર સ્વચ્છતા જાળવવા અંગેનું એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને પાઠવ્યું હતું, જે બાબતે કલેક્ટરશ્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.ત્યારબાદ વિદ્યાર્થીઓએ જિલ્લા સેવા સદનમાં આવેલી વિવિધ શાખાઓ જેવી કે આપત્તિ વ્યવસ્થાપન કક્ષ, ચૂંટણી શાખા, મહેસૂલ શાખા વગેરેની રૂબરૂ મુલાકાત લીધી હતી. સરકારી કચેરીઓમાં રોજેરોજની કામગીરી કેવી રીતે થાય છે, નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવામાં આવે છે અને જિલ્લાનું સંચાલન કેવી રીતે થાય છે તે અંગેની પ્રત્યક્ષ જાણકારી બાળકોએ મેળવી હતી.વિદ્યાર્થીઓએ કચેરીમાં ફરજ બજાવતા વિવિધ અધિકારીઓ તેમજ પોતાના કામ અર્થે આવેલા મુલાકાતીઓના ટૂંકા ઇન્ટરવ્યૂ પણ લીધા હતા. આ પ્રવૃત્તિ થકી બાળકોમાં આત્મવિશ્વાસ વધવાની સાથે સરકારી કામકાજની પદ્ધતિઓ અંગે વ્યવહારુ જ્ઞાનનો ઉમેરો થયો હતો. વહીવટી તંત્રની આ શૈક્ષણિક મુલાકાત બાળકો માટે એક અત્યંત માહિતીપ્રદ અને યાદગાર અનુભવ બની રહી હતી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો