
સેવા સંકલ્પ અભિયાન’: વારાણસીથી વડનગર સુધીની બાઈક યાત્રાનું આદિજાતિ વિકાસ મંત્રીશ્રી પી.સી. બરંડાએ ઈડર ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું
**

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ જ અભિયાનના ભાગરૂપે ઉત્તર પ્રદેશના વારાણસીથી ગુજરાતના વડનગર સુધી યોજાયેલી બાઈક યાત્રા સાબરકાંઠા જિલ્લામાં આવી પહોંચતા ઈડરના રાણી તળાવ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રીશ્રી પી.સી. બરંડા દ્વારા તેનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમણે યાત્રીઓના ઉત્સાહ અને સમર્પણ ભાવને બિરદાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના સેવા, સુશાસન અને જનકલ્યાણના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાનું આ એક સરાહનીય પ્રકલ્પ છે.
આ બાઈક યાત્રા રાણી તળાવ ઈડર ખાતેથી આગળ વધીને સદાતપુરા, રુદડી અને વીરપુર જેવા વિસ્તારોમાંથી પસાર થઈ હતી. યાત્રાના સમગ્ર માર્ગ દરમિયાન સ્થાનિક ગ્રામજનો, આગેવાનો અને કાર્યકરો દ્વારા બાઈક સવારોનું પુષ્પ અને ભારત માતાના નારાઓ સાથે ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન અગ્રણીશ્રી વિજયભાઈ પંડ્યા સહિત વિવિધ અગ્રણીઓ, સ્થાનિક હોદ્દેદારો, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં બાઈક યાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા વડનગર પહોંચીને રાષ્ટ્રસેવા અને સુશાસનના સંદેશને વધુ સુદ્રઢ બનાવશે.
જયંતિ પરમાર સાબરકાંઠા










