પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ એલસીબી પોલીસે સંતરોડ ઓવરબ્રિજ નજીક ચેક પોસ્ટ પાસે નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી હતી. કન્ટેનરમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂના ક્વાર્ટરિયા અને બીયરના ટીન મળી કુલ ૧૦,૬૦૮ નંગ દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ સહિત કન્ટેનર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૮૦.૪૨ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિવેક ચૌધરી તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરાની દેખરેખમાં પ્રોહિબિશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખવામાં આવી રહી હતી. દરમિયાન એલસીબીના પોલીસ કર્મચારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે સંતરોડ ઓવરબ્રિજ નજીક ચેક પોસ્ટ પાસે નાકાબંધી કરવામાં આવી હતી.
બાતમી મુજબનું અશોક લેલેન્ડ કન્ટેનર નંબર એચ.આર.૫૫ એ.એફ.૪૮૩૫ સંતરોડ તરફ આવતા તેને તેના ચાલક અને ક્લીનર સાથે અટકાવી તપાસ કરવામાં આવી હતી. કન્ટેનરમાં એલ્યુમિનિયમના પીલર ભરેલા હતા. પીલર હટાવી તપાસ કરતાં કન્ટેનરમાં ગુપ્ત ખાનુ બનાવવામાં આવ્યું હોવાનું જણાયું હતું. આ ખાનામાંથી વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ મળી આવી હતી.
પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં રોયલ ચેલેન્જ વ્હીસ્કીના ૩,૩૬૦ ક્વાર્ટરિયા, કિંમત રૂ.૯,૩૭,૪૪૦, ઓલ સીઝન વ્હીસ્કીના ૬,૭૬૮ ક્વાર્ટરિયા, કિંમત રૂ.૧૮,૩૪,૧૨૮ તથા કિંગફિશર બીયરના ૪૮૦ ટીન, કિંમત રૂ.૧,૫૬,૦૦૦નો સમાવેશ થાય છે. ઉપરાંત રૂ.૨૦ લાખની કિંમતનું કન્ટેનર, રૂ.૩૧ લાખના એલ્યુમિનિયમના ૫૪ પીલર તથા બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૮૦,૪૨,૫૬૮નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ મુજબ કન્ટેનર હરિયાણા રાજ્યના કાણી ગામેથી નીકળ્યું હતું અને પાણીપત, સોનીપત, કે.એમ.પી. રોડ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ તથા ભારતમાલા રોડ થઈ મધ્યપ્રદેશના થાંદલા, દાહોદ, લીમખેડા, પીપલોદ થઈ સંતરોડ પહોંચ્યું હતું. પોલીસે હરિયાણાના પાણીપત જિલ્લાના રાજાખેડી ગામના અમરજીત દિલબાગ મલિક અને આશિષ દિલાવર મલિકની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓમાં અનિલ રાજપાલ ફોર તથા રાજકોટના વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઇસમનો સમાવેશ થાય છે.
આ મામલે આરોપીઓ વિરુદ્ધ મોરવા (હ) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી એલસીબી ગોધરાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.










