વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ


નવસારી: સ્વચ્છતા હિ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ૧૩ વોર્ડમાં એકસાથે એક કલાકનું વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અભિયાનમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને કોર્પોરેટરો જોડાઈને શ્રમદાન કર્યું હતું.
વોર્ડ નં. ૨માં મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય (IAS) દ્વારા સફાઈ કામગીરીમાં શ્રમદાન કરવામાં આવ્યું હતું. જ્યારે હાંસાપોર વિસ્તારમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. યુ. વસાવા સહિતના અધિકારીઓએ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો.
મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડમાં યોજાયેલા આ અભિયાનમાં સ્થાનિક કોર્પોરેટરોએ સફાઈ સારથિઓ સાથે ખભેખભો મિલાવીને સફાઈ કામગીરી કરી હતી. કુલ ૫૨ જેટલા કોર્પોરેટરોએ પોતાના વોર્ડમાં ઉપસ્થિત રહી શ્રમદાન કરી સ્વચ્છતા પ્રત્યેની સામૂહિક જવાબદારીનો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને આસપાસના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી.
અભિયાનમાં ડેપ્યુટી મેયર શ્રી કેયુરી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મુકેશભાઈ અગ્રવાલ, શાસક પક્ષના નેતા શ્રી નરેશભાઈ પુરોહિત, દંડક શ્રી રાકેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ અને કોર્પોરેટરો વિવિધ વોર્ડમાં ઉપસ્થિત રહ્યા હતા.
સફાઈ સારથિઓ અને સ્થાનિક નાગરિકોની સહભાગિતાથી સમગ્ર અભિયાનને જનભાગીદારીનું સ્વરૂપ મળ્યું હતું. સ્વચ્છ અને સ્વસ્થ શહેરના નિર્માણ માટે માત્ર મહાનગરપાલિકા કે સફાઈ કર્મચારીઓની કામગીરી પૂરતી નથી, પરંતુ નાગરિકોની સક્રિય ભાગીદારી પણ એટલી જ જરૂરી છે.
‘સ્વચ્છતા હિ સેવા’ અંતર્ગત યોજાયેલા એક કલાકના આ શ્રમદાન દ્વારા ‘સ્વચ્છતા સૌની સહિયારી જવાબદારી છે’ અને સ્વચ્છ શહેરના નિર્માણ માટે જનભાગીદારી અનિવાર્ય છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.










