MORBI:મોરબીમાં ખેડૂતોનું મહાસંમેલન યોજાશે; વીજપોલ અને પાક વીમા મુદ્દે કોંગ્રેસ લડતના મૂડમાં

વીજપોલની કામગીરી અને પાક વીમા યોજના બંધ થવા મુદ્દે ખેડૂતોને અન્યાય થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: લલિતભાઈ કગથરા અને લલિતભાઈ વસોયાએ પત્રકાર પરિષદ બોલાવી જાહેર કર્યો વિરોધ કાર્યક્રમ

મોરબી:સૌરાષ્ટ્રભરના ખેડૂતોના પડતર અને સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો લલિતભાઈ કગથરા અને લલિતભાઈ વસોયાએ રાજ્ય સરકાર સામે આક્રમક વલણ અખત્યાર કરતાં ખેડૂતોના હિત માટે ૨૨ ઓક્ટોબરના રોજ મોરબી ખાતે એક વિશાળ ‘ખેડૂત મહાસંમેલન’ અને મહારેલી યોજવાની જાહેરાત કરી છે.
ખાનગી કંપનીઓ માટે વીજપોલ ઊભા કરી ખેડૂતો પર અત્યાચાર કરવાનો આક્ષેપ
પત્રકાર પરિષદને સંબોધતા લલિતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે, મોરબીના જેતપર ગામથી લઈને દ્વારકા, નેસડા (ધ્રોલ), હળવદ અને કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વીજપોલ સામે આંદોલન કરી રહ્યા છે. તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે ખાનગી કંપનીઓને લાભ પહોંચાડવા માટે પોલીસ અને વહીવટી તંત્રના જોરે ખેડૂતોની જમીનમાં બળજબરીપૂર્વક વીજપોલ નાખવામાં આવી રહ્યા છે. ખેડૂતો અને મહિલાઓ પર લાઠીચાર્જ કરી જેલમાં ધકેલવાની જોહુકમી બંધ થવી જોઈએ. કોંગ્રેસે માંગ કરી છે કે ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર મળે તથા તેમની જમીનમાંથી પસાર થતી વીજલાઈન અને પોલનું માસિક ભાડું નક્કી કરવામાં આવે.
પાક વીમા યોજના બંધ થતાં ખેડૂતો નોધારા બન્યા
લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૮૬માં તત્કાલીન વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ કુદરતી આફતો સામે ખેડૂતોના પાકના રક્ષણ માટે ‘પાક વીમા યોજના’ શરૂ કરી હતી, જે સમગ્ર દેશમાં ચાલુ છે પરંતુ ગુજરાતમાં ૨૦૨૦માં તત્કાલીન રૂપાણી સરકારે બંધ કરી દીધી. તેમણે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે મોરબી જિલ્લામાં ૨૦ વર્ષ દરમિયાન દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં સહકારી મંડળીઓ મારફતે ખેડૂતોને આશરે ૮૪૫ કરોડ રૂપિયા જેટલું પાક વીમાનું વળતર મળ્યું હતું. હાલ આ યોજના બંધ થતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને સરકારે તાત્કાલિક ધોરણે પાક વીમા યોજના પુનઃ શરૂ કરવી જોઈએ.
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ
આગેવાનોએ વધુમાં જણાવ્યું કે ‘અલ નીનો’ની અસરના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની ભારે ઘટ રહી છે. જેથી સમગ્ર સૌરાષ્ટ્રને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. આ ઉપરાંત પશુપાલકો માટે ઘાસચારાની અછત સર્જાઈ હોવાથી સરકાર દ્વારા તાત્કાલિક ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ મૂકવામાં આવી છે.

૨૨ ઓક્ટોબરે મોરબીમાં જામશે ખેડૂતોનો જમાવડો
આ તમામ પ્રશ્નોને લઈને આગામી ૨૨ ઓક્ટોબરના રોજ મોરબી મુકામે શનાળાથી રાજપર રોડ પર ખેડૂતોની વિશાળ મહાસભા યોજાશે. આ મહાસંમેલનમાં કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના ટોચના આગેવાનો ઉપસ્થિત રહેશે. મોરબીથી આ આંદોલનની શરૂઆત કરી સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને તાલુકા સ્તરે આ લડતને આગળ ધપાવવામાં આવશે.













