
છોટાઉદેપુર જિલ્લામાં ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્ય શાખા અને જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા અનુપમ મિશન સ્વામિનારાયણ સંસ્થા આણંદના સહયોગથી ટી.બી.ની સારવાર લઈ રહેલા 100 દર્દીઓને છ માસ માટે પ્રોટીનયુક્ત આહાર કીટ આપવામાં આવી રહી છે. અનુપમ મિશનના અધિષ્ઠાતા સંતભગવંત સાહેબજી મહારાજની પ્રેરણાથી તથા ઘરડા કેમિકલ પાનોલીના સહયોગથી આજે 5 ઓક્ટોબર 2026ના રોજ બીજા તબક્કાનું કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનુપમ મિશન તરફથી સંતશ્રી પૂ. મણીદાસજી, ડો. વનરાજસિંહ, મુકેશભાઈ પટેલ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ભરતસિંહજી, જિલ્લા ટી.બી. વિભાગના વાલસિંગભાઈ રાઠવા સહિતના કર્મચારીઓના હસ્તે દર્દીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ઉપસ્થિત દર્દીઓની તબીબી તપાસ કરી હિમોગ્લોબીન અને વજનની પણ નોંધ કરવામાં આવી હતી. દર્દીઓને ટી.બી. રોગ અને તેની સારવાર અંગે માર્ગદર્શન આપવાની સાથે નિયમિત સારવાર, પ્રોટીનયુક્ત આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ ટી.બી. અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી નિયમિત સારવાર દ્વારા તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત દેશના નિર્માણ માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી

રિપોર્ટર તોસીફ ખત્રી










