આણંદ નવા બસ સ્ટેશન ખાતે ‘સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો કાપડની થેલીઓનું વિતરન કરાઈ.


તાહિર મેમણ – આણંદ – આણંદ નવા બસ સ્ટેશન ખાતે ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અભિયાન અંતર્ગત કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગની ટીમ તેમજ ‘C to C ફાઉન્ડેશન’ સંસ્થા, આણંદના સંયુક્ત ઉપક્રમે બસ સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા, પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા અને નાગરિક સભાનતા વધારવા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ એસટી વિભાગના વિભાગીય નિયામક શ્રી સી. ડી. મહાજનની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે આણંદ ડેપોના ડેપો મેનેજર શ્રી કે. એમ. શ્રીમાળી, ડેપો ટી.આઈ., એ.ટી.આઈ., ટી.સી. તથા ડ્રાઇવર અને કંડક્ટર મિત્રો, અધિકારીઓ તથા કર્મચારીઓએ સ્વચ્છતા પ્રત્યે પોતાની કટિબદ્ધતા દર્શાવીને સમાજમાં સ્વચ્છતાનો સકારાત્મક સંદેશ વહેતો કરવા માટે શ્રમદાન કરીને પોતાનું સક્રિય યોગદાન આપ્યું હતું.
આ ઉપરાંત કરમસદ-આણંદ મહાનગરપાલિકાની સેનિટેશન ટીમ અને એસ.ટી ડેપોના સ્ટાફે સાથે મળીને શ્રમદાન કર્યું હતું. સ્વચ્છ અને સુઘડ સમાજના નિર્માણ તરફ આયોજિત આ કાર્યક્રમથી બસ સ્ટેશનના કર્મચારીઓ અને યાત્રિકો એસટી ડેપો પરિસર અને બસ સ્વચ્છ રાખવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં ‘C to C ફાઉન્ડેશન’ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને બળ આપવા માટે બસ સ્ટેશન ખાતે મુસાફરોને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બસ અને બસ સ્ટેશન પરિસરમાં ડસ્ટબિનના યોગ્ય વર્ગીકરણ અંગે જાગરૂકતા ફેલાવવામાં આવી હતી.










