અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા- નગરપાલિકાના સરકારી વાહનના કથિત રાજકીય ઉપયોગનો મામલો ગરમાયો યુથ કોંગ્રેસ પ્રમુખ સાથે કથિત ધમકીભર્યા વર્તન અંગે પણ નિષ્પક્ષ તપાસની માંગ

મોડાસા શહેરમાં નગરપાલિકાના સરકારી વાહનનો કથિત રીતે ભાજપના ઝંડા લગાવવાની કામગીરીમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ સાથે અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ આશુતોષ રાઠોડ સહિત કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ગઈકાલે મોડાસા શહેરમાં નગરપાલિકાની સરકારી ગાડીનો ઉપયોગ ભાજપના ઝંડા લગાવવાની કામગીરી માટે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ કામગીરીનો વીડિયો બનાવ્યા બાદ આશુતોષ રાઠોડને રસ્તામાં રોકી તેમની સાથે કથિત ધમકીભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

આ મામલે જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ આશુતોષ રાઠોડ, ઈન્ચાર્જ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી ભરત ઠાકોર, ઉપપ્રમુખ અનિલ પરમાર સહિત કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી હતી.કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે, જો નગરપાલિકાનું સરકારી વાહન કોઈ રાજકીય પક્ષના પ્રચારાત્મક કાર્ય માટે ઉપયોગમાં લેવાયું હોય તો સમગ્ર મામલે સત્તાવાર અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદારી નક્કી કરવામાં આવે.
સાથે જ, ઘટનાનો વીડિયો તથા અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે આશુતોષ રાઠોડને રસ્તામાં રોકી કરવામાં આવેલા કથિત ધમકીભર્યા વર્તન અને હુમલાના પ્રયાસ અંગે પણ પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.કોંગ્રેસ આગેવાનોના જણાવ્યા મુજબ, સરકારી વાહન, સરકારી કર્મચારી અથવા જાહેર નાણાંનો ઉપયોગ કોઈપણ રાજકીય પક્ષના પ્રચાર માટે થયો છે કે નહીં, તે બાબતે સત્તાવાર તપાસ થવી જરૂરી છે. સમગ્ર મામલે દસ્તાવેજી પુરાવા અને કાયદાકીય પ્રક્રિયાના આધારે જવાબદારી નક્કી કરાવવા માટે આગળ પણ રજૂઆતો કરવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.










