વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓની પડતર માંગણીઓના નિરાકરણ માટે મહામંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી આંદોલનની રૂપરેખા અંતર્ગત આજે ડાંગ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ દ્વારા એક દિવસીય હડતાળ પાડવામાં આવી હતી. પડતર માંગણીઓનું વહેલી તકે નિરાકરણ લાવવા કર્મચારીઓએ આંદોલનમાં જોડાઈ સરકારનું ધ્યાન દોર્યું હતુ.આ આંદોલનના ભાગરૂપે મહેસૂલી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. તેમજ મહામંડળની સત્તાવાર સૂચના મુજબ કાળી પટ્ટી અંગેનું સ્ટેટસ મૂકવા માટે પણ કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.આ ઉપરાંત આંદોલનના ભાગરૂપે તમામ કર્મચારીઓને પોતાના તમામ અધિકૃત વોટ્સએપ ગ્રુપમાંથી સ્વેચ્છાએ અળગા થવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.આગામી માસની કેઝ્યુઅલ લીવ (CL) અંગે સમગ્ર રાજ્યમાં એકસમાન યુનિફોર્મ ફોર્મેટ મુજબ દરેક કર્મચારીએ પોતાની કચેરીના વડાને સવિનય CL રિપોર્ટ રજૂ કરવાનો રહેશે તેવી સૂચના આપવામાં આવી છે.મહામંડળ દ્વારા કર્મચારીઓને પોતાની કચેરીના વડા તેમજ ઉપરી અધિકારીઓને આંદોલનાત્મક કાર્યક્રમ અંગે વિનમ્રતાપૂર્વક જાણ કરી, કર્મચારીઓની પડતર માંગણીઓ અને હક્કની લડતમાં સહકાર આપવા વિનંતી કરવા અપીલ કરવામાં આવી હતી.ડાંગ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓની એક દિવસીય હડતાળને પગલે જિલ્લામાં મહેસૂલી કચેરીઓની કામગીરી પર સીધી અસર જોવા મળી હતી. વિવિધ સરકારી કામગીરી તેમજ અરજીઓના કામકાજ માટે કચેરીએ પહોંચેલા અરજદારો અને સામાન્ય લોકોને કામગીરી અટકી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ખાસ કરીને દૂરના ગામડાઓમાંથી પોતાના કામ માટે આવેલા લોકોને કામ પૂર્ણ થયા વિના પરત ફરવાની નોબત આવી હતી.મહેસૂલી કર્મચારીઓએ લાંબા સમયથી પડતર રહેલી પોતાની વિવિધ માંગણીઓનો વહેલી તકે હકારાત્મક ઉકેલ લાવવા સરકાર સમક્ષ માંગ કરી છે..










