વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે વર્ષ ૨૦૦૮ના સગીરાના અપહરણ અને બળાત્કારના ગુન્હામાં ૧૮ વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને ભારત-નેપાળ બોર્ડર પર આવેલા ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાંથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગતો અનુસાર, વર્ષ ૨૦૦૮ માં આહવા તાલુકાના ચિંચલી ગામની ૧૩ વર્ષની સગીર દીકરીને બજારમાં ફરવા લઈ જવાનું કહી લલચાવી-ફોસલાવીને અપહરણ કરી આરોપી નેપાળ તથા ઉત્તર પ્રદેશ ખાતે ભાગી ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. આ સંદર્ભે આહવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ફોજદારી અધિનીયમ (IPC) કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને ૧૧૪ હેઠળ ગુન્હો નોંધાયો હતો. ડાંગ-આહવા પોલીસ અધિક્ષક પૂજા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ એક ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. LCBના પો.સબ ઇન્સ. જે.જી. અનડકટ તથા તેમની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ શરૂ કર્યું હતુ.તપાસ દરમિયાન LCB ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ગુન્હાનો વોન્ટેડ આરોપી હાલ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં નેપાળ બોર્ડર નજીક ઇલેક્ટ્રિક રિક્ષામાં ભંગારનો ધંધો કરે છે. આ વિગત મળતા જ ડાંગ LCBની ટીમ તુરંત ઉત્તર પ્રદેશ ખાતે રવાના થઈ હતી. સરહદી વિસ્તારમાં ટીમે પગપાળા તેમજ ઇલેક્ટ્રિક રિક્ષામાં મુસાફરી કરીને સતત રેકી કરી હતી. આખરે, ભંગારની ઇલેક્ટ્રિક રિક્ષા આઇડેન્ટિફાય કરી આરોપીની ખરાઈ કર્યા બાદ તેનો પીછો કરવામાં આવ્યો હતો અને ભારત-નેપાળ બોર્ડરથી દોઢ કિલોમીટર અંતરે આવેલા મીઠવલ ગામ (બર્ડપુર-૩) ખાતેથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીનું નામ રામલક્ષ્મણ ઉર્ફે લક્ષ્મણ રાધેશ્યામ બનીયા ઉર્ફે અગ્રહરી (ઉં.વ. ૪૨, રહે. મીઠવલ ગામ, તા./જિ. સિદ્ધાર્થનગર, ઉત્તર પ્રદેશ) છે. પોલીસે સિદ્ધાર્થનગર કોર્ટમાંથી આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આશરે ૪૦૦૦ કિલોમીટરથી વધુની મુસાફરી કરીને તેને આહવા-ડાંગ લાવી આગળની કાનૂની કાર્યવાહી અર્થે આહવા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે..










