તા.07/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


ચોટીલા પાસે આવેલ કાળાસર ગામની સીમમાં વાડીના મકાનમાં ગેરકાયદેસર ગાંજો રાખ્યો હોવાની બાતમીના આધારે પાડવામાં આવ્યા દરોડા: રૂ. ૧.૪૬ લાખનો નાર્કોટિક્સનો જથ્થો જપ્ત કર્યો સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર નશાકારક પદાર્થોની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને ડ્રગ્સ મુક્ત વાતાવરણ ઊભું કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક લોકેશ યાદવ સાહેબની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત એ. એન. ટી. એફ. રાજકોટ ઝોન, સી. આઈ. ડી. ક્રાઈમની ટીમે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ દરોડો પાડીને લાખો રૂપિયાના ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે કાળાસરની સીમમાં દરોડો મળતી માહિતી મુજબ, A.N.T.F. રાજકોટ ઝોન, સી.આઈ.ડી. ક્રાઈમના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.જે. ચૌહાણની આગેવાની હેઠળ પીએસઆઇ કે. એમ. મહેતા, એમ.એચ. ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ ભુમીકાબેન દાણીધારીયા, આલાભાઈ રાઠોડ, રણજીતભાઇ ધાંધલ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ અનીલગીરી ગોસાઈ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાળાસર ગામની સીમમાં આવેલ ‘ગંધારીયુ સીમ’ વિસ્તારમાં રહેતો ભરતભાઈ સાર્દુળભાઈ બાવળીયા પોતાની કબ્જા ભોગવટાની વાડીના મકાનમાં ગેરકાયદેસર નાર્કોટિક્સ પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને પ્રવૃત્તિ કરી રહ્યો છે. બાતમીના આધારે A.N.T.F. ની ટીમે કાળાસર ગામની સીમમાં દરોડો પાડી વાડીના મકાનમાં બારીક તપાસ હાથ ધરી હતી. સ્થાન પરથી ટીમે ગેરકાયદેસર રાખવામાં આવેલ ૨ કિલો અને ૯૨૦ ગ્રામ ગાંજાનો જથ્થો, જેની કુલ અંદાજિત કિંમત રૂ. ૧,૪૬,૦૦૦ થાય છે, તે શોધી કાઢી મુદામાલ તરીકે જપ્ત કર્યો હતો. ટીમે સ્થળ પરથી આરોપી ભરતભાઈ સાર્દુળભાઈ બાવળીયાને પકડી પાડી કાયદેસરની ધાકધમકી વગર ધરપકડ કરી હતી. આ મામલે A.N.T.F. રાજકોટ ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌહાણ પોતે ફરિયાદી બન્યા છે અને આરોપી વિરુદ્ધ NDPS Act, 1985 ની કલમ ૮(સી), ૨૦(બી) ૨(બી) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી બાદ આરોપી અને જપ્ત કરાયેલ મુદ્દામાલ અંગેની આગળની તપાસ માટે સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સુપ્રત કરવામાં આવ્યો છે. A.N.T.F. રાજકોટ ઝોનની આ કામગીરીથી ચોટીલા પંથકમાં નશાનો વેપાર કરતા તત્વોમાં ફાફડાટ વ્યાપી ગયો છે.










