તા.07/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર: રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત ‘ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬’ સામે કાનૂની આલમમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે પણ વકીલો અદાલતી કામગીરીથી અળગા રહ્યા હતા, જેના કારણે અલગ-અલગ કોર્ટમાં ચાલી રહેલા ૧૧૦૦થી વધુ કેસોનું બોર્ડ કામકાજ ઠપ થઈ ગયું હતું અને પક્ષકારોને મુદતો પાડવાની નોબત આવી હતી. વિરોધ પ્રદર્શનના ભાગરૂપે સુરેન્દ્રનગરના વકીલો દ્વારા શહેરી વિસ્તારમાં એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. ત્યાં પહોંચીને વકીલોએ પોતાના વાહનો રોડ વચ્ચે મૂકી દીધા હતા અને રસ્તા પર ઉતરીને તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ સર્જ્યો હતો. અંદાજે પાંચ મિનિટ સુધી કરાયેલા ચક્કાજામના કારણે કલેક્ટર કચેરી બહાર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સીટી પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો અને રેલી આગળ વધી હતી. વકીલોના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત ‘ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬’ હેઠળ ભાડા કરાર અને મકાન સંબંધિત તમામ સત્તાઓ સિવિલ કોર્ટ પાસેથી આંચકીને મહેસુલી વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વકીલ મંડળે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરમાં મહેસુલી વિભાગમાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા બે જેટલા અધિકારીઓ સામે ભૂતકાળમાં ગુના નોંધાયા છે અને તેઓ જેલહવાલે પણ થઈ ચૂક્યા છે. જો આવી તમામ સત્તાઓ મહેસુલી વિભાગને સોંપવામાં આવશે તો ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચશે તેવી ભારે આશંકા વ્યક્ત કરી વકીલોએ આ કાયદો તુરંત રદ કરવાની માંગ કરી છે.










