છોટાઉદેપુર જિલ્લાના સાતેય તાલુકાના આશરે 3500 પ્રાથમિક શિક્ષકોને એસ.બી.આઈ. સેલરી પેકેજ યોજના હેઠળ મળવાપાત્ર રૂ.10 લાખના વ્યક્તિગત અકસ્માત વીમા કવચ માટે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વીમા કવચની કામગીરી બાકી હોવાના મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એસ.બી.આઈ.ની સંબંધિત શાખાઓના મેનેજરોને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે બેંક દ્વારા શિક્ષકોની વિગતોની ચકાસણી સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હવે જરૂરી કાર્યવાહી બાદ શિક્ષકો માટે વીમા પોલિસી ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શિક્ષકો પોતાની સેલરી પેકેજ એકાઉન્ટની વિગતો ચકાસીને એસ.બી.આઈ. દ્વારા આપવામાં આવેલી અધિકૃત લિંક મારફતે પોતાની વીમા પોલિસીની કોપી ડાઉનલોડ કરી શકશે. જોકે, સેલરી પેકેજ યોજના હેઠળ મળવાપાત્ર વીમા કવચ માટે શિક્ષક સંઘે રજૂઆત કરવાની નોબત આવી તે મુદ્દે કામગીરી સમયસર કેમ ન થઈ તે અંગે સવાલો પણ ઉઠી રહ્યા છે. હાલ વીમા કવચની પ્રક્રિયા શરૂ થતાં જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.