વિજાપુર સ્વામિનારાયણ કોલેજમાં વાઇબ્રન્ટ પ્રી-નવરાત્રી ગરબા મહોત્સવની ઉજવણી કરાઈપરંપરાગત વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી; ધારાસભ્યસી.જે.ચાવડા સહિત રાજકીય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી

ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને પરંપરાગત લોકકલાના જતન તથા સંવર્ધનના હેતુથી વિજાપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ કોલેજ દ્વારા શ્રી સ્વામિનારાયણ વિદ્યા સંકુલ ખાતે ‘વાઇબ્રન્ટ પ્રી-નવરાત્રી ગરબા મહોત્સવ-૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી સમગ્ર સંકુલને નવરાત્રીના રંગે રંગી દીધું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વાઇબ્રન્ટ ગુજરાત’ના વિઝનથી પ્રેરિત આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને લોકકલાના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ગરબામાં ભાગ લઈ ઉત્સવના માહોલને વધુ આકર્ષક બનાવ્યો હતો. સંગીત અને પરંપરાગત ગરબાની રમઝટ વચ્ચે સમગ્ર સંકુલમાં આનંદ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ ડી. પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ, નગરપાલિકા પ્રમુખ કામિનીબેન બી. પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પરમાર, મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી રાજેશભાઈ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ બીનાબેન પટેલ, શહેરના પૂર્વ મહામંત્રી ભરતભાઈ પટેલ, નગરપાલિકાના ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર સહિત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ કોલેજના ટ્રસ્ટી નિલેશભાઈ એન. પટેલ તથા આચાર્ય ડૉ. ભરતકુમાર એન. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજ પરિવાર, શિક્ષકગણ, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ગરબા મહોત્સવના માધ્યમથી યુવા પેઢીમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના, સામૂહિક એકતા, સંસ્કાર અને પરંપરાગત લોકકલાઓ પ્રત્યે અભિરુચિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિ અને વિદ્યાર્થીઓના ઉત્સાહને પગલે મહોત્સવ યાદગાર બન્યો હતો.











