વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર હિન્દુ ધર્મમાં પિતૃઓના સ્મરણ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. પિતૃઓની આત્માની શાંતિ અને સદ્ગતિની કામના સાથે શ્રાદ્ધ અને તર્પણ કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ જ ધાર્મિક પરંપરાને અનુસરી ડાંગ જિલ્લાનાં નાની વઘઈ ખાતે અંબિકા નદીના પવિત્ર કિનારે આવેલા તડકેશ્વર હનુમાનજી ધામમાં સર્વ પિતૃ શ્રાદ્ધ વિધિ સંપન્ન થઈ હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી પોતાના પિતૃઓના આત્માની શાંતિ અને સદ્ગતિ માટે શ્રદ્ધાપૂર્વક તર્પણ તથા શ્રાદ્ધ વિધિમાં ભાગ લીધો હતો.વઘઈના મહારાજ મુકેશભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ધાર્મિક વિધિમાં પિતૃઓ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને સનાતન સંસ્કૃતિની પરંપરાના સુંદર દર્શન થયા હતા.અંબિકા નદીના કિનારે શ્રદ્ધાળુઓએ પરંપરાગત વિધિ-વિધાન મુજબ પોતાના પિતૃઓનું સ્મરણ કરી તર્પણ અર્પણ કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સર્વ પિતૃ શ્રાદ્ધ વિધિ દ્વારા પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને સનાતન ધર્મની પરંપરાઓને જાળવી રાખવાની ભાવના ઉજાગર થઈ હતી.










