વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ પાસેથી રૂ-૬૦હજારનો દંડ વસૂલીને ૨૬૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કરાયો જપ્ત.
રાપર,તા-૧૩ ઓક્ટોબર કચ્છના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા અસરકારક અમલવારી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણવાસિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સંદિપસિંહ ઝાલા તથા નગરપાલિકા ટીમ દ્વારા છેલ્લા એકાદ મહિનાથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વારંવારની સૂચનાઓ છતાં નિયમોનું ઉલ્લંઘન કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ, ફેરિયાઓ અને શાકભાજીના વિક્રેતાઓ સામે નગરપાલિકા દ્વારા નિયમાનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ રાપર શહેરના દેના બેંક ચોક,સલારી નાકા, ભુતિયા કોઠા રોડ,માંડવી ચોક અને માળી ચોક સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.આ કામગીરીમાં નગરપાલિકાના એન્જિનિયર આશિષભાઈ,એએસઆઈ હસમુખજી ઠાકોર,હેતુભા રાઠોડ, ચંદ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાઠોડ,જયદીપ જાદવ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, શીતલબેન જામ, સંજયસિંહ વાઘેલા, પ્રતિપાલસિંહ જાડેજા, અર્જુન પરમાર, પ્રિયંકગીરી ગોસ્વામી, વિશાલ ઝાલા, દીપુબેન ઠક્કર, રાજેશ પરમાર, નિલેશ પંડિત, બાબુભાઈ કોલી અને ભરતભાઈ ગઢવી સહિતના સ્ટાફ દ્વારા નિયમોનુસાર કામગીરી કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા આજરોજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૨૬૫ કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનને અસરકારક બનાવવા માટે નગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહમાં સ્વચ્છતા અંગે બેદરકારી દાખવવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બાબતે અંદાજિત રૂ. ૬૦,૦૦૦ જેટલો દંડ વસૂલ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે.












