તારીખ ૧૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત સરકારની શ્રમિક કલ્યાણલક્ષી યોજના અંતર્ગત કાલોલ નગરમાં આજરોજ એક મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ થયો હતો. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચાલતી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ કાલોલ બસ સ્ટેન્ડ ખાતે નવા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આજે શુક્રવારે સવારે સાડા નવ વાગ્યે યોજાયેલા શુભારંભ કાર્યક્રમમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના હસ્તે શ્રમિકોને ભોજન પીરસીને યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યાં આ યોજના હેઠળ ઈ-નિર્માણ કાર્ડ ધરાવતા તમામ બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. 5/- માં પૌષ્ટિક અને સ્વચ્છ ભોજન આપવામાં આવશે. ભોજનની થાળીમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી શ્રમિકોને દિવસભર કામ કરવા માટે પૂરતું પોષણ મળી રહે. અને જે શ્રમિકો પાસે ઈ-નિર્માણ કાર્ડ નથી તેમના માટે પણ સરકારે વિશેષ વ્યવસ્થા કરી છે. સ્થળ પર જ હંગામી નોંધણી કરવામાં આવશે અને ૧૫ દિવસ સુધી ભોજનની સુવિધા આપ્યા બાદ તેમને કાયમી ઈ-નિર્માણ કાર્ડ ઇસ્યુ કરી આપવામાં આવશે.આ પ્રસંગે કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, કિશાન મોરચાના પ્રમુખ કિરણસિંહ સોલંકી,શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, કાલોલ ચીફ ઓફિસર સંજયભાઇ પટેલ,નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી તથા નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ, નગરપાલિકાના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શ્રમિક ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર શ્રમિકોના કલ્યાણ માટે કટિબદ્ધ છે અને આ યોજના શ્રમિકોને સન્માનભેર ભોજન પૂરું પાડશે.











