SH-34ના ફોરલેન પ્રોજેક્ટ સામે પાંચ ગામના ખેડૂતોનો વિરોધ

SH-34ના ફોરલેન પ્રોજેક્ટ સામે પાંચ ગામના ખેડૂતોનો વિરોધ

રાજુલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું, માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

રાજુલા: રાજુલા–જાફરાબાદ વિસ્તારમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે-34ના ચાર માર્ગીય (ફોરલેન) વિસ્તરણ પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોઠપુર, લુણસાપુર, વાંઢ, મિતિયાળા અને જાફરાબાદ સહિતના ગામોના ખેડૂતો દ્વારા જમીન સંપાદન, રોડની હદ (ROW) અને પર્યાવરણના મુદ્દે વિરોધ નોંધાવી રાજુલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા આવેદનપત્ર સાથે મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી.

જમીન સંપાદન અને વળતર વિના કામગીરી થતી હોવાનો આક્ષેપ

રાજુલા–જાફરાબાદ ખેડૂત સંકલન સમિતિ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે SH-34ના વિસ્તરણની કામગીરી દરમિયાન ખેડૂતોની ખાનગી જમીનનો ઉપયોગ કરવા માટે કાયદેસરની જમીન સંપાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી તેમજ ખેડૂતોને કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ, જમીન સંપાદન અને જમીનની હદ અંગેના દસ્તાવેજો જાહેર કરીને સમગ્ર મામલે પારદર્શિતા રાખવી જરૂરી છે.

ROWની હદ અંગે ખેડૂતોમાં અસંતોષ

ખેડૂતોના જણાવ્યા મુજબ, માર્ગ અને મકાન વિભાગની જમીનની હદ 30 મીટર કે તેથી વધુ હોવા અંગે આધારભૂત દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. અગાઉ આ માર્ગ સામાન્ય કેડી તરીકે હતો અને બાદમાં પાકા રસ્તામાં પરિવર્તિત થયો હોવા છતાં જમીન સંપાદન તથા વળતર અંગેની પ્રક્રિયા થઈ ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.

હાલમાં માર્ગના વિસ્તરણ માટે કરવામાં આવતી માપણીમાં ખેડૂતોની ખાનગી જમીન રસ્તામાં જતી હોવાની સ્થિતિ સર્જાઈ રહી હોવાનું જણાવી ખેડૂતોએ જમીનની માલિકી અને રોડની વાસ્તવિક હદ અંગે સ્પષ્ટતા કરવાની માગ કરી છે.

પર્યાવરણ અને ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ

ખેડૂતોએ આવેદનપત્રમાં માર્ગની બંને બાજુ આવેલા રક્ષિત જંગલનાં વૃક્ષો કાપવા અને તેના બદલામાં અન્ય જિલ્લામાં વળતરયુક્ત વનીકરણ કરવાની જોગવાઈ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, રસ્તાની આસપાસનાં વૃક્ષો કપાસ, કેરી અને શાકભાજી સહિતના પાકોને ધૂળ, પવન અને પ્રદૂષણથી રક્ષણ આપે છે. વૃક્ષો કપાવાથી ખેતીની જમીન, પાક અને સ્થાનિક પર્યાવરણ પર વિપરીત અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

બંધારણીય અધિકારો અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવાની માગ

ખેડૂતોએ ભારતીય બંધારણની કલમ 300A, જમીન સંપાદન અધિનિયમ-2013 તથા સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદાઓનો ઉલ્લેખ કરીને કાયદેસરની પ્રક્રિયા અને યોગ્ય વળતર વિના ખાનગી જમીનનો કબજો ન લેવા માગ કરી છે.

ખેડૂતોની મુખ્ય માગણીઓ

– SH-34ના ફોરલેન વિસ્તરણની કામગીરી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે.
– જમીન સંપાદન, ROW, JMS, KJP, માપણી શીટ સહિતના તમામ સંબંધિત દસ્તાવેજો જાહેર કરવામાં આવે.
– સ્થળ પર સંયુક્ત સર્વે અને તપાસ હાથ ધરી ખેડૂતોના વાંધાઓનો ન્યાયપૂર્ણ નિકાલ કરવામાં આવે.
– ખેડૂતોની જમીન, પાક અને પર્યાવરણના હિતોનું રક્ષણ થાય તે રીતે પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવે.
– ખેડૂતોને હદ માપણી કરીને માપણી શીટ આપવામાં ન આવે ત્યાં સુધી તેમના ખેતરોનો કબજો લેવામાં ન આવે અને કામગીરી બંધ રાખવામાં આવે.

ત્રણ દિવસનું અલ્ટિમેટમ, આંદોલનની ચીમકી

ખેડૂતો દ્વારા આવેદનપત્રમાં ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આ સમયગાળામાં યોગ્ય અને હકારાત્મક નિર્ણય નહીં લેવામાં આવે તેમજ કામગીરી સ્થગિત નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની જમીન, ખેતીના પાક અને પર્યાવરણના હિતોને નુકસાન પહોંચે તે રીતે ફોરલેન પ્રોજેક્ટ આગળ વધારવામાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે. હવે આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને ખેડૂતોની રજૂઆતોનો કેવો ઉકેલ આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો